પૃષ્ઠ:Gramonnati.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આરોગ્ય રક્ષણ : ૧૫૧
 


સાંકડાં ગામઠાણ અને બંધિયાર મકાનોમાં એ અશક્ય જ હોય.

સ્વચ્છ પાણી

શુદ્ધ હવા જેટલું જ શુદ્ધ સ્વચ્છ પાણી જરૂરી છે. અસ્વચ્છ પાણીને લીધે કૉલેરા જેવા રોગ ફાટી નીકળે છે. પાણી સ્વચ્છ, શુદ્ધ, ગુણકારી અને મબલખ હોવું જોઇએ. ગામડાંમાં પૂરતા કૂવા હોતા નથી. કૂવા હોય તો પણ તેમનો વાપર એવા પ્રકારનો હોય પાણીની વિશુદ્ધિ જળવાય નહિ. કૂવાની આસપાસ પાણી ઢોળાય, અને કાદવ થાય. એ પગ લઈ પનિહારીઓ પાણી ભરે. પગ અને દોરડાના કચરા કૂવામાં ઉતરે અને એ પાણી પીવામાં અને રસોઈમાં વપરાય. આમ પાણી જેવું જંતુવાહક તત્ત્વ એકાદ રોગનાં જંતુ ફેલાવે જ.

કદાચ ઉકરડા પણ પાણીનાં સાધન પાસે જ હોય. ઉકરડાની ગંદકી પાણીનાં મૂળને ઝડપથી દુષિત કરે છે.

કપડાં ધોવાનું કાર્ય પણ કૂવાના થાળા ઉપર જ થાય. કપડાંનો મૅલ પીવાના પાણીમાં ઊતરે અને તેથી તંદુરસ્તી બગડે એનો ખ્યાલ પણ ગ્રામજનતામાં આવતો નથી.

કૂવા ન હોય ત્યાં તો પાણીનું ભારે દુઃખ હોય જ. કૂવા હોય ત્યાં જનતા તેનો ઉપયોગ જ એવો કરે કે જેથી આરોગ્ય સચવાય નહિ, કૂવા ન હોય ત્યાં નદી તથા તલાવની એવી જ દુર્દશા કરવામાં આવે છે. નદી-તલાવનાં પાણીમાં માણસ અને જાનવર સાથે પાણી પીએ ત્યાં સુધી તો આપણે કદાચ વાંધો ન ઉઠાવીએ.પરંતુ એ નદી-તલાવમાં તથા આસપાસ હરેક પ્રકારની ગંદકી કરવાનો સહુ હક્ક કરી બેસે છે ત્યારે ગ્રામજનતાનું અજ્ઞાન પાપ બની જાય છે.