પૃષ્ઠ:Gramonnati.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮ : ગ્રા મો ન્ન તિ
 


પ્રમાણ વધારવું પડશે, આરોગ્યરક્ષણ માટેની કાર્યપરંપરા ચલાવવા વધારે માણસો તેમાં રોકવા પડશે, અને સ્વચ્છતાના બાપોતી ધંધામાં રોકાયેલા માણસો પૂરતાં ન હોય તો ગ્રામજનતાએ સ્વચ્છતાનાં ઘણાં કામ હાથે કરી લેવાં પડશે.

આ સ્વચ્છતા એટલે શું ?

સ્વચ્છતાની વિગતો

એક તો અંગત – વ્યક્તિગત સ્વચ્છતા. ગામડાંમાં ધૂળ માટી અને કાદવનો ખૂબ સંસર્ગ. પશુપાલન પશુ સ્વછતાના કંઈ કંઈ પ્રશ્ન ઊભા કરે. એટલે પ્રથમ તો જાતની સ્વચ્છતા ઉપર ખૂબ લક્ષ રાખવાની જરૂર છે. એ અંગત સ્વચ્છતાનો ખ્યાલ પોતાના ધંધા પ્રત્યે અણગમો ન પ્રેરે એની પણ કાળજી રાખવી જોઇએ. એમાં સ્નાનવિધિ આવી જાય, અસ્વચ્છ દ્રવ્યના ઉત્સર્ગની વ્યવસ્થા પણ આવી જાય અને આપણી અસ્વચ્છ ટેવો છોડવાના પ્રયત્નો પણ આવી જાય.

કપડાં અને સ્વચ્છતા

અંગની બહુ જ પાસે કપડાં આવે. એ કપડાં આપણી વ્યક્તિગત સ્વચ્છતાનો એક મહત્વનો વિભાગ છે. હિંદમાં ખરું જોતાં બહુ વસ્ત્રોની જરૂર જ નથી. આપણા દુર્ભાગ્યે પશ્ચિમે આપણને અતિશય અને નિરુપયોગી કપડાં પહેરતા બનાવ્યા છે. બારમાંથી છસાત માસ તો આપણે ત્યાં ગરમી જ હોય છે. સભ્યતા ભલે વસ્ત્રો માગે. ગુપ્ત, પવિત્ર અને ઉત્તેજક અંગો ભલે આચ્છાદિત રખાય. પરંતુ આખું શરીર ઉપરાછાપરી વસ્ત્રોથી ઢબુરી દેવામાં કયો અર્થ સધાતો હશે તે સમજાતું નથી. હિંદમાં તો ઓઢણ – drapery – પૂરતાં થઈ પડે એમ છે. ત્રીજી પેઢી ઉપરના પુરુષો શહેરમાં પણ દેહ ઉપર એક દુપટ્ટો ઓઢી લઈ ફાવે ત્યાં ફરી શકતા. ગામડામાં વસ્ત્રોની એથી પણ ઓછી જરૂર. છતાં આપણી અનુકરણવ્રત્તિ