પૃષ્ઠ:Gramonnati.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વચ્છતા : ૧૫૯
 


આપણને તદ્દન પ્રતિકૂળ એવાં ગંદાં મોજાં, તદ્દન નિરર્થક એવાં કોલર તથા ટાઈ અને ખુલતાં પહેરણોને બદલે ઘાટઘુટ વગરનાં અનેક કાપકુપીવાળાં ખમીસ અને કોટનો સ્વાંગ ધારણ કરવા પ્રેરે છે. ગ્રામજનતામાં બાળકો દંગ વગરનો સાહેબી પોશાક પહેરી માબાપની પ્રસન્નતા જ્યારે વધારતાં દેખાય છે ત્યારે આપણી સંસ્કાર-પરાધીનતા આપણો સ્વભાવ બની જતી દેખાય છે. એથી વધારે ઊંડુ પતન કયું ! હિંદમાં તો ધોતિયું, પહેરણ અને ચંપલ પૂરતાં થઈ પડે એમ છે.

વસ્ત્રોની અતિશયતા

ટાઢ અને તાપથી દેહનું રક્ષણ કરવાનો વસ્ત્રનો ઉદ્દેશ સમજી શકાય એમ છે. શોખ અને સારા દેખાવાની વૃત્તિ એ કાઢી નાખવા જેવાં વલણો ન કહી શકાય, સામાની આંખને ગમે એવાં વસ્ત્ર અને દેહ રાખવામાં આપણે સમાજ સમસ્તને માન આપીએ છીએ એ ખરું. પરંતુ તેમ કરવા માટે આપણે વસ્ત્રો કે વસ્ત્રોના ટુકડા વધાર્યા જ કરવા એ જરા ય ઇચ્છવાયોગ્ય નથી. અંડરવેર, પહેરણ, ખમીસ, જેકેટ, કોટ, કૉલર, ટાઈ પહેરેલાં મનુષ્યોને જોતાં ઘણીવાર નવસો-નવાણું વસ્ત્રોમાં ઢંકાઈ રહેલી દ્રૌપદીનો ખ્યાલ આવ્યા વગર રહેતો નથી. પડ ઉપર પડ રચી રહેલાં એ પ્રાણી મનુષ્ય છે કે કોબીજ તેની ઘણીવાર સમજણ પડતી નથી.

વસ્ત્રોની અતિશયતા શહેરમાં જ બિનજરૂરી છે તો ગામડાંમાં તેમ હોય એમાં નવાઈ નથી. વસ્ત્રોની અતિશયતા અસ્વચ્છતાને પોષે છે. એટલે ગ્રામજીવનમાં બિનજરૂરી વસ્ત્રોને તો અવકાશ હોવો જ ન જોઇએ; અને જેટલાં હોય એટલાં અત્યંત સ્વચ્છ હોવાં જોઈએ. દિવસમાં એક ધોતિયું અને એક પહેરણ સારી રીતે ઝીકી ધોવામાં બહુ સમય બગડે એમ નથી, અને ધોબીની તંગીનો વિચાર કરીએ