પૃષ્ઠ:Gramonnati.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વચ્છતા : ૧૬૧
 


આમ જાત, ઘર, આંગણું, શેરી અને આખું ગામ સ્વચ્છ રાખી આરોગ્યવૃદ્ધિ કરી શકાય એમ છે.

પોતાનાં આંગણાં સંભાળનારને પડોશીનાં આંગણાં અસ્વચ્છ કરવાની વૃત્તિ નહિ થાય. શેરી સ્વચ્છ કરવા માટે જરૂર પડ્યે શેરીનાં બધાં જ માણસો સામેલ થઈ જશે, અને સામેલ ન થાય તો પણ સમજદાર ગ્રામવાસીઓએ એકલે હાથે થોડો સમય કામ કરવું પડશે. એક વખત સ્વચ્છતાનો રસ લાગ્યા એટલે તે કાયમની થઈ સમજવી.

સ્વચ્છતા એટલે
આરોગ્ય

સ્વચ્છતા માત્ર દેખાવ પૂરતી નથી. સ્વછતા આંખને સારી લાગે એટલા માટે જ તે પાળવાની નથી. એનાથી રોગ અટકે છે અને આરોગ્યની વૃદ્ધિ થાય છે. અનારોગ્ય ગ્રામજનતાનો કદી ઉત્કર્ષ થાય નહિ. સ્વચ્છતા ત્રણ તત્ત્વો ઉપર આધાર રાખે છે – પૂરતી હવા, પૂરતું પાણી અને પૂરતો સૂર્યપ્રકાશઃ દેહને, ઘરને અને આખા ગામને એ ત્રણે તો પૂરતા પ્રમાણમાં મળે એવી સગવડ એનું નામ સ્વછતા.