પૃષ્ઠ:Gramonnati.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આંગણું કે ઉકરડો ? : ૧૬૫
 


આંગણામાં તુળશી ક્યારો ! આ દેખાવ શું સારો નથી ? તમે ઝૂંપડીનો વિચાર ભૂલી જાઓ છો અને આંગણું કેવું ચોખ્ખું છે એનો વિચાર કરતા હો છો. કહો, સ્વચ્છ આંગણાવાળી ઝૂંપડી સારી ? કે ગંદા આંગણાવાળી હવેલી સારી ? તમને ઝૂંપડી આનંદ આપશે કે હવેલી ? જે હવેલી આગળથી તમારે નાશી જવું પડે તેના કરતાં જે ઝૂંપડી પાસે જરા ઊભા રહેવાનું મન થાય એ જ વધારે પ્રશંસાપાત્ર ગણાય. અલબત્ત ઢેડ લોકોનાં રહેઠાણ બધે જ સ્વચ્છ હાય છે એમ કહેવાનો આશય નથી.

આંગણાનું મહત્ત્વ
સુંદર આંગણાથી ઉપ-
જતું સુંદર માનસ

આંગણાંનું મહત્ત્વ હવે કાંઈ સમજાય છે ? જેટલું સુંદર આંગણું એટલું જ સુંદર ઘર દેખાય. ખરાબ આંગણે ઘરનો બધો મોખ માર્યો જાય છે.

ઘરઆંગણાંની સુંદરતા એ એક વાત થઈ. બીજાને આપણું આંગણું કેવું લાગે છે તેની આપણે દરકાર કદાચ ન રાખીએ. પણ આપણે પોતાને માટે શું આંગણું સાફ રાખવાની જરૂર ઓછી છે ?

ઘરનું સાથી આંગણું. તમે બારીએ નજર કરો તો આંગણું પહેલું નજરે પડે. ઘર બહાર પગ મૂક્યો હોય તો ય તે આંગણામાં થઈને. બહારથી ઘેર આવવું હોય તો યે તેમ જ. તમારાં બાળકોને રમવું હોય તો ય તે આંગણામાં જ. વિવાહવાજનનો પ્રસંગ આવ્યો હોય તે આંગણે જ ઉજવાય. ઘરમાં સંકડાશ હોય તો પાટ પાથરી મળવા આવનારને આંગણામાં બેસાડાય. સંધ્યાકાળે અણગમો આવે તો પડોશીઓ સાથે આંગણે બેસીને વાતો થાય. ગરમીના દિવસોમાં ખાટલા પાથરી આંગણામાં સુવાય.