પૃષ્ઠ:Gramonnati.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આંગણું કે ઉકરડો : ૧૬૯
 



પારસીઓનાં
આંગણાં

તમે પારસીઓના મહોલ્લા જોયા છે ? બધા જ પારસીઓ ધનવાન છે એમ માનવાની કદી ભૂલ કરશો નહિ. તેમનામાં પણ ઘણાં ગરીબ કુટુંબ હોય છે. પારસણોને પણ સ્થિતિ પરત્વે બેડું લઈ કૂવે પાણી ભરવા જવું પડે છે. તેમનામાં પણ નાનકડા ઘરમાં વસતાં ગરીબ કુટુંબો હોય છે. તથાપિ તાલેવન કે ગરીબ ગમે તે પારસીનું આંગણું જોશો તો સ્વચ્છ અને ચકચકીત દેખાશે. એવાં સ્વચ્છ આંગણામાં ધોળાં, લાલ, પીળાં એવાં રંગીન છાપાં પાડી આંગણાને સુંદર ચિત્ર જેવું શોભીતું બનાવ્યું હોય છે. આવી આંગણાની સ્વચ્છતા તહેવારના જ દિવસોમાં તેઓ રાખે છે એમ નહિ. દરરોજ સવારમાં પારસણો મોટે ભાગે જાતે આંગણું ઓટલા સ્વચ્છ કરી બીબાં વડે છાપાં પાડે છે. રોજ સુંદર આંગણું જોવા ટેવાયેલી પારસી કોમ ગંદાં આંગણાં સહન કરી શકતી નથી.

આપણે પણ એ જ સ્વચ્છતાની ટેવ પાડીએ તો આપણાં આંગણાં પણ સુશોભિત બને. સૂરત નવસારી બાજુએ પારસી સિવાય પણ કેટલાંક હિંદુ કુટુંબોમાં આંગણે છાપાં પાડવાનો રિવાજ દાખલ થઈ ગયો છે.

દક્ષિણી કુટુંબોનાં
આંગણાં

એ જ પ્રમાણે દક્ષિણી કુટુંબમાં પણ આંગણાં સ્વચ્છ રાખવાની ભારે ચીવટ જોવામાં આવે છે. દક્ષિણનાં ગામડાંમાં આંગણાંની છૂટ સારી હોય છે. લોકો આંગણે ફળ ઝાડ વાવે છે, ફૂલ છોડ રોપે છે, અને રંગોળી પૂરી આંગણાંને બહુ જ સુંદર બનાવે છે. આ સ્વચ્છતાની ટેવ તેઓ ગુજરાતમાં પણ સાથે લાવે છે. દક્ષિણી કુટુંબનાં આંગણાં આગળ હાલ આપણે સ્વચ્છતા જોઈ શકીએ છીએ; બે ચાર કેળના રો૫ આંગણે હોય જ. દરરોજ જુદી જુદી જાતના સ્વસ્તિકો જુદા જુદા રંગથી પૂરી તેમનાં