પૃષ્ઠ:Gramonnati.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦ : ગ્રા મો ન્ન તિ
 


આંગણાં તેમણે ઝાકઝમાળ બનાવ્યાં જ હોય. એવાં આંગણાંમાં બેસીએ તો આપણને મંદિરમાં બેઠા જેવી પવિત્રતા લાગે. આ બધા દક્ષિણીઓ વધારે પૈસાદાર હોય છે એમ માનશો નહિ. એમના દાખલા ઉપરથી એટલું સમજવાનું છે કે આંગણાં સ્વચ્છ રાખવામાં પૈસાની બિલકુલ જરૂર નથી. રંગોળીના રંગ મોંઘા હોતા નથી. ધોળો રંગ તો પથરા અગર ખડીમાંથી પણ મેળવી શકાય. સાથીયા ચીતરવાની આવડતમાં આપણી ચિત્રકળાનું સહજ રક્ષણ થાય છે એ ભૂલવા જેવું નથી.

પરંતુ ભલે તમારે આંગણે રંગોળી ન ચીતરી શકાય. તમારાથી આંગણે કચરો તો ન જ રખાય. અને કચરો દસ મિનીટમાં સાફ કરી તમે બે ઘડા પાણી છાંટી તમારું આગણું સુશોભિત નહિ તો સાફ કેમ ન રાખી શકો ? એમાં ભારે મહેનત નથી અને એક પૈસાનું પણ ખર્ચ નથી.

આપણો નિશ્ચય.
સ્વચ્છતાનો નિશ્ચય

એક જણ આંગણું સાફ રાખે તે જોઈને પાડોશીને પણ દેખાદેખી તેમ કરવાની ઈચ્છા થાય. ધીમે ધીમે આખું ગામ આંગણાં સાફ રાખતાં શીખે. ગામના પાંચ આગેવાનો-પંચાયતના સભ્યો જ આવા કામની શરૂઆત કરી ગામને દાખલો કેમ ન બેસાડે ? જે આંખને ગમે તે હૃદયને પણ ગમે. ગંદુ આંગણું જોઈ આપણી આંખ કંટાળશે, અને સાથે સાથે આપણું હૃદય પણ કંટાળશે. આપણે સુસ્ત, નિર્જીવ અને ચીડિયા બનીશું.

એના કરતાં આંગણું સ્વચ્છ રાખી તેને પવિત્ર બનાવી આપણી આંખને અને હૃદયને પવિત્ર બનાવીએ તો કેવું સારું ? એક આંગણું સાફ કરવાથી કેટલા લાભ થાય ? દેહને આરોગ્ય મળે, આંખને સૌન્દર્ય મળે અને હૃદયને પવિત્રતા પ્રાપ્ત થાય.