પૃષ્ઠ:Gramonnati.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શેરી અને ગામ : ૧૭૩
 

એ મુશ્કેલી ભર્યું કામ ન કહેવાય. અમુક અંશે તો ગામડાં અંગમહેનતને ઓળખે છે, અંગમહેનતને સેવે છે, અને અંગમહેનતથી જીવતાં રહે છે. એ જ અંગમહેનત ગામડાંને સ્વચ્છ પણ રાખી શકે છે.

સ્ત્રીઓ અને અંગ-
મહેનત

આ સ્થળે ગ્રામજીવનની એક ઊજળી બાજુ તરફ આપણે નજર કરીએ. પુરુષોનાં કેટલાંક મહેનત માગતાં કામ અને મજૂરીમાં ભાગ લેવાની ગામડાના સ્ત્રીવર્ગની તત્પરતા એ ગ્રામજીવનનો બહુ ઊજળો યશસ્વી ભાગ છે. ગામડાની સ્ત્રી પશુની માવજત કરી શકે છે. એ ઘરની રસોઈ કરે છે એટલું જ નહિ. એ રસોઈ લઈ તે ખેતરમાં જાય છે અને ત્યાં કામ કરતાં ઘરનાં માણસોને રસોઈ પૂરી પાડે છે. જરૂર પડ્યે ખેતરમાં નિદવા વાઢવાનું કામ કરે છે અને પાછાં ફરતાં માથે ચારનો ભારો મૂકી લાવતાં તેને શિષ્ટતા નડતી નથી. ટોપલા ભરી તે ખાતર પોતાના ઉકરડામાં નાખી આવે છે. ખળામાં ઉપણવાનું કામ પુરુષોની બરાબર કરે છે, અને બળદ હાંકતાં અને ગાડું ચલાવતાં પણ તેને આવડે છે. વહેલાં ઊઠી ઘરની અને આંગણાંની સાફસૂફી પણ સ્ત્રી જ કરે છે. ચૂલો સળગાવી ઊનું પાણી મૂકી નહાવા નવડાવવાનું કામ પણ સ્ત્રીનું જ. ભણતર અને શહેરનિવાસને પરિણામે ભાગેલાં શરીરવાળી કહેવાતી સુઘડ શિષ્ટ સ્ત્રીમાં દેખાઈ આવતી અંગમહેનતની અરૂચિ એ ગામડાંની સ્ત્રીમાં નથી દેખાતી. ગ્રામસ્ત્રીના પગમાં જ અજબ ઝડપ હોય છે. એના દેહમાં જ અજબ સ્ફૂર્તિ હોય છે. ગ્રામસ્ત્રીઓની કામ કરવાની તત્પરતા આશ્ચર્ય ઉપજાવે એવી હોય છે. ગામડાંની સ્ત્રી એ શહેરી સ્ત્રી માફક માત્ર ઢીંગલી કે રોગનો ભારો બની પુરુષને માથે ભારણ રૂપ બની રહેતી નથી.