પૃષ્ઠ:Gramonnati.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શેરી અને ગામ : ૧૭૭
 


કોઈનો થાંભલો આગળ આવતો હોય. એને લીધે ગામડાં બેડોળ, અવ્યવસ્થિત અને ઢંગ વગરનાં લાગે છે. એથી શેરીઓના રસ્તા વાંકાચૂંકા અને સ્વચ્છતા ન સચવાય એવા બની જાય છે.

ગામડાની શેરીઓમાં પાણીના અવરજવર માટે સાધનો હોતાં નથી. શિયાળા અને ઉનાળામાં પાણી સંબંધી ખાસ મુશ્કેલી હોતી નથી. પરંતુ ચોમાસામાં શેરીઓ કાદવવાળી બની જાય છે, જાનવરની ગંદકી અસ્વચ્છતામાં ઉમેરો કરે છે અને ગામેગામથી વહી આવતાં પાણી ખાડાઓમાં ભરાઈ ગામની અસ્વચ્છતામાં અતિશય વધારો કરી મૂકે છે. કેટલાક ખાડાઓનાં પાણી તો આખો શિયાળો ચાલે છે, અને તે બંધિયાર હોવાથી જીવજંતુ અને માખીમચ્છરનાં મોટાં ઉત્પત્તિસ્થાન બની જાય છે. અટકાવી શકાય તેવા રોગજંતુઓ વ્યાપક બનાવવામાં મચ્છર અને માખીનો ઘણો જ મોટો ફાળો છે, એ હવે તો ગામડિયાએ પણ સમજવાની જરૂર છે. એટલે યોજનારહિત મકાનો, રસ્તા અને શેરીઓ રાખે ચાલે એમ નથી. ગ્રામજીવનમાં સ્વચ્છતા લાવવી હોય તો મકાનોમાં એક પ્રકારનું નિયમિતપણું, સંકડાશનો અભાવ, પાણી વહી જાય એવી રસ્તાઓની ચઢતી ઊતરતી યોજના અને પૂરતી પહોળાઈ રાખવી પડશે. ગામડાની ખરેખર દરકાર રાખવી હોય તો યોજનાબદ્ધ ગ્રામરચનાને હસી કાઢ્યે ચાલે એમ નથી.

વળી ગામડાનો અને કૃષિનો સંબંધ જોતાં ગાડાં, હળ, લાકડાં તથા બીજી વસ્તુઓ મૂકવા માટે છૂટી જમીનો પણ વિચારપૂર્વક શેરીઓમાં રાખવી જોઇએ.

નવાં ગામ અને પરાં

નવાં વસેલાં કેટલાંક ગામ અને પરાં યોજનાપૂર્વક રચાયેલાં હોય છે. એ ઉપરથી ગામડાની વ્યવસ્થિત રચના થઈ શકે એમ છે, એટલું તો આપણે