પૃષ્ઠ:Gramonnati.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શેરી અને ગામ : ૧૭૯
 


કે ઝૂંપડાં બાંધી વસવાટ કરે છે. માણસ વસે એટલે તેને પિવા માટે તથા નાહવાધોવા માટે નદી, કૂવા કે તળાવની સગવડ પણ હોવી જોઈએ. જવરઅવર માટે ગામમાં અને સીમમાં સાધારણ રસ્તા પણ હોવા જોઈએ. મજૂરો અને કારીગરોની પણ તેમાં જરૂર. ગુજરાતમાં તો સામાન્યતઃ જમીન સપાટ છે એટલે ડુંગરાળ અને દરિયા કિનારાનાં ગામો જેવી મુશ્કેલીઓ મોટા ભાગનાં ગામડાંને પડતી નથી. નદીકિનારા ઉપર ઘણાં ગામો છે તે વાત ખરી. અને નદીનાં પૂર તથા પૂરથી પડેલાં કોતર ગામ અને સીમની જમીનનું ધોવાણ કરી કેટલાક મહત્ત્વના જમીન સંરક્ષણના પ્રશ્નો પણ ઊભા કરે છે. કોતરો પડતાં અટકાવવાં એ પણ આપણા ગ્રામજીવનનો એક મહત્ત્વનો પ્રશ્ન બનતો જાય છે.

આમ ગામડું એ વગર વિચાર્યે બાજુએ નાખી મૂકવા જેવું નથી. એમાં કુશળતાભરી યોજનાની જરૂર છે, અને સરળતાભર્યા ધનિક શહેરના કરતાં ગ્રામરચના વધારે બુદ્ધિ, વધારે મહેનત, વધારે સહાનુભૂતિ અને વધારે ઊંચી કલ્પના માગી લે છે. સારું શહેર રચનાર ઇજનેરનું નામ આપણે જરૂર ભૂલી જઈશું. પરંતુ નમૂનેદાર સુંદર ગામડું રચનાર ઈજનેરને તે વર્તમાન હિંદે કીર્તિસ્થંભ રચી અમર કરવો પડશે.

ગ્રામસ્વચ્છતા

ગામની સ્વચ્છતા એટલે ઘરની, આંગણાંની, શેરીની, રસ્તાની, ભાગોળોની તેમ જ સીમની સ્વચ્છતા. ઘર, શેરી કે ગામના કૂવાનાં થાળાં સ્વચ્છ રાખવાં જોઈએ અને વખતોવખત કૂવાને ગાળવા જોઈએ. જરૂર પડ્યે પાણીને શુદ્ધ કરવાને માટે પોટાશ–પરમેન્ગેનેટ કે ફટકડી જેવી દવાઓ પણ નાખવી જોઇએ. ગામનાં તળાવ પણ સ્વચ્છ રાખવા જોઇએ. એવી ગામસમગ્રની સ્વચ્છતા થાય ત્યારે ગ્રામજનતાનું