પૃષ્ઠ:Gramonnati.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮ : ગ્રા મો ન્ન તિ
 


પાપમય વાતાવરણમાં પવિત્ર ગણાતું ભોજનકાર્ય કર્યે જ જાય છે. એ પાપકાર્યનો બદલો આપણને રોગના રૂપમાં મળે તેમાં શું આશ્ચર્ય !

જંતુ ઉપદ્રવ દૂર કર-
વાનાં સાધનો

હિંદને પશ્ચિમની ખર્ચાળ યોજનાઓ ભાગ્યે જ કામ લાગે. માખી તથા મચ્છરથી બચવા માટે ફ્લાય–પેપર, જાળીવાળાં બારણાં, મચ્છરદાની, ફ્લીટ, પાઉડર, ખાડાઓમાં તેલનું છાંટણ વગેરે યોજનાઓ કરવામાં આવે છે. મોટા પ્રમાણમાં ગ્રામજનતાને આ બધું મળી શકે એમ હોય તો તે ઈચ્છવા જોગ છે. પરંતુ બે ટંક ખાવાનું પૂરું ન પામતી ગ્રામજનતા આની પાછળ કંઈ પણ પૈસા ખર્ચે એ માનવું અશક્ય છે. રાજ્યો, પંચાયતો, ધાર્મિક વૃત્તિવાળા ધનિકો અને સેવા સંસ્થાઓ કંઈ અંશે થોડા વિસ્તારમાં આવાં કાર્યો ઉપાડી શકે. પરંતુ આ પ્રશ્ન તો સમસ્ત હિંદનો છે. હિંદનાં સાત લાખ ગામડાંનો છે. તેને માટે બધે જ ખર્ચાળ યોજના ન થઈ શકે. પણ એક કાર્ય તો થઈ શકે તે એ જ કે ગંદકી પ્રત્યે ધૃણા ઉત્પન્ન થાય એવી સુઘડતા કેળવવી, અંગત ટેવો સુધારવા ઉપર ભાર દેવો અને સાદામાં સાદી રીતે ગંદકી દૂર કરવાના ઈલાજો યોજવા. ગંદકી દૂર કરવાના સાદામાં સાદા ઇલાજ આપણને ચોખ્ખી માટી, ચોખ્ખી ધૂળ અને અગ્નિ તથા સૂર્યના તાપમાંથી મળી રહે એમ છે. ઘણી ગંદકી તો ધૂળ માટી અને રાખોડી પૂરતા પ્રમાણમાં વાપરવાથી અદૃશ્ય થશે. ગંદાં પાણી અને ખાબોચિયાં ઉલેચી નાખવાથી ઘણી ગંદકી તડકો દૂર કરી દેશે, અને નિરર્થક પડેલાં કાદવનાં ખાબોચિયાં તો ગામ લોકોએ ભેગા મળી સીમમાં ફરી પૂરી નાખવાં જોઈએ.

આરોગ્યનાં ભયસ્થાનો

માખી અને મચ્છર એ બન્ને ગ્રામઆરોગ્યનાં ભયસ્થાનો છે. રોગ થાય જ નહિ એમ કરવું હોય તો આ બને જંતુઓને સમૂળ અદૃશ્ય કરવાં.