પૃષ્ઠ:Gramonnati.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૦ : ગ્રા મો ન્ન તિ
 


જંતુવિનાશ

આરોગ્યવિરોધી જંતુઓને અગર પ્રાણીઓને અને ખાસ કરીને ઉંદરોને જીવતા બાળી મૂકવામાં આવે છે તે ખરેખર ક્રૂરતાભર્યું, અણઘડ અને માણસાઈને ન શોભે એવું તો હોય છે જ. પરંતુ આ જંતુઓને ઉત્પન્ન જ ન થવા દેવાની કાંઈ યોજના આપણને જડી ના આવે અગર તેમનું રોગવાહકપણું અદૃશ્ય ન થાય ત્યાં સુધી આ અણઘડ પ્રકાર ચાલુ રહેવાનો સંભવ છે. માનવજાતની સાથે અન્ય પ્રાણીસૃષ્ટિનો સમન્વય હજી થઈ શક્યો નથી —અરે માણસ માણસ વચ્ચે પણ હજી સમન્વય ક્યાં થઈ શકે છે ? રોગવાહક પ્રાણીઓને અને જંતુઓને જીવતા બાળી દેવાની ક્રૂરતા અસહ્ય હોય તો સ્વછતાનો અતિ આગ્રહ રાખવો પડશે.

સાદા ઇલાજો

આમ રોગ ન થાય માટેની સાવચેતી સ્વચ્છતા, શુદ્ધ હવા, પ્રકાશ, પૂરતું પાણી, જંતુઓના ઉપદ્રવનો અટકાવ અને ખાસ કરીને માખી તથા મચ્છર જેવા પ્રાણીઓની ઉત્પત્તિને નિર્મૂળ કરવાની શક્યતા માગી લે છે. મચ્છરનાં ઉત્પત્તિસ્થાનોનાં પૂરાણ કરવા ઉપરાંત લીમડાના પાનની ધૂણી અને મચ્છરદાનીનો ઉપયોગ મેલેરિયા સરખા રોગને અટકાવવા જરૂરનો છે.

જો કે ગ્રામજનતા મચ્છરદાની વાપરી શકે એવી સધન છે કે કેમ એ શંકાસ્પદ છે. છતાં યે જ્યાં બની શકે એમ હોય ત્યાં મચ્છરદાનીનો ઉપયોગ ખરેખર રોગપ્રતિબંધનું એક મહત્ત્વનું સાધન બની શકશે. હાથે કામ કરનારને તો આ કામમાં હરકત આવે જ નહિ.

અને માખી માટે ? અતિ સ્વચ્છતા સિવાય બીજો ઈલાજ ઉપયોગમાં આવે એમ લાગતું નથી. નિદાન રસોડામાં અને જમવાના સ્થળે લોખંડી જાળીઓ ગામડામાં ન બની શકે તો છેવટે કપડાના કે બરૂ અગર રાડાના ઝીણી ગૂંથણીવાળા પડદાની શક્યતાનો કોઈ પ્રયોગ કરી જોશે ?