પૃષ્ઠ:Gramonnati.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪ : ગ્રા મો ન્ન તિ
 


દાયણોનો ગામડાંમાં હવે દુકાળ પડી ગયો છે. લોકો કંગાલ અને નિર્બળ બની ગયા છે. હાલનાં ગામડાં એટલે કચરાથી ભરપૂર ઉકરડા. નથી ત્યાં સંસ્કારસાધન; નથી ત્યાં આરોગ્યરક્ષણ, નથી ત્યાં જ્ઞાન, નથી ત્યાં સંપત્તિ: જો કે જ્ઞાન, સંસ્કાર અને સંપત્તિનો પાતાળી કૂવો તો ગામડું જ છે. પણ એ ગામડાને જ સહુએ લૂંટી લીધું છે. હાલનાં ગામડાંની જિંદગી શોષાઈ ગએલી અને નિરાશાથી ભરેલી છે. આ ગામડાંનો પુનરુદ્ધાર કેવી રીતે કરવો ?

આ દુર્દશાનું મુખ્ય કારણ તો દેશની પરાધીનતા જ છે. પરંતુ એ પરાધીનતા લાવનાર પણ આપણે જ હતા ને ? એ પરાધીનતા ટાળવી હોય તો આપણે આપણાં પાપના પશ્ચાત્તાપ તરીકે પણ ગામડાંને સચેત બનાવવાં જોઈએ. જેમનામાં જ્ઞાન છે, જેમનામાં શક્તિ છે, જેમની પાસે સાધન છે તેમની તો પ્રથમ ફરજ છે કે એ જ્ઞાન, શક્તિ અને સાધનોના દાતા ગામડા તરફ લક્ષ રાખવું. નહીં તો એ જ્ઞાન, શક્તિ અને સાધનો સદા ય પાંગળાં જ રહેવાનાં.

પરાધીનતા ટળે નહીં ત્યાં સુધી બેસી રહેવાય એમ પણ નથી. કારણ ગ્રામોન્નતિ એ જ પરાધીનતા ટાળવાનું એક મહાન સાધન છે.

જ્યારે આપણે ગામડાંની સાથે એકરસ બની જઈએ, તેમના સુખદુઃખમાં સમભાગી થઈએ, તેમના સ્વાર્થને આપણે સ્વાર્થ બનાવીએ ત્યારે જ તેમની ઉન્નત્તિ થઈ શકે. આપણાં મનને પ્રથમ તો ગામડાં તરફ સહાનુભૂતિવાળું બનાવવું જોઇએ.

કમનસીબે ભણતર, સંસ્કાર અને સંપત્તિ હિંદવાસીને ગામડાંથી વિમુખ રાખે છે. ભણેલા ગ્રૅજ્યુએટને ગામડું ગમતું નથી. જમીનદાર ગામડું છોડી શહેરમાં મોજ કરવા રહે છે. ધનિકો ગામડાંમાંથી ધન ખેંચી લાવી શહેરમાં જ ભરે છે. કોઈને ગામડું ગમતું નથી. ગામડે જતાં ગ્રૅજ્યુએટો પણ ગભરાઈ જાય છે.