પૃષ્ઠ:Gramonnati.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રોગનિવારણ : ૧૯૭
 


અમલમાં મુકાય છે. આમ દવાખાનાં સ્થાપીને, વૈદ્ય ડૉક્ટરને ગામડાંમાં સ્થાયી વસવાટ માટે ઉત્તેજન આપીને, ગ્રામજનતામાં ડોક્ટરવૈદ્યની ફેરણીઓ કરાવીને તથા વગર ડૉક્ટરે જાણીતી દવાઓ જાણીતા રોગ માટે ગામડાંના આગેવાનો અગર સેવાભાવી સ્ત્રીપુરુષો દ્વારા વહેંચાવીને ગ્રામજનતાના રોગનું નિવારણ કરવાના પ્રયત્નો થઈ શકે એમ છે.

દવાનો પ્રશ્ન એ પણ કૂટ પ્રશ્ન બની ગયો છે. ડૉક્ટરોની દવા ખૂબ મોંઘી. પરદેશથી આવતી દવાઓની બનાવટ હિંદને ચૂસવાના ઉદ્દેશથી અગર ધનિક પરદેશીઓની કક્ષાનો વિચાર કરી કરવામાં આવી હોય : એટલે ગરીબ ગામડું એ દવાઓ વાપરી શકે નહિ. વાપરે તો મોંઘા ડૉક્ટર અને એથી યે મોંઘી દવાઓના ભારણમાં વધારે દેવાદાર થાય. સુંદર શીશીઓમાં ભરાઈને આવતી ‘પેટન્ટ' દવાઓએ હિંદની ગરીબી વધારવામાં ખરેખર કેટલો ભાગ લીધો છે એ શોધી કાઢવા સરખું છે.

હિંદ વનસ્પતિનો ભંડાર છે. પરદેશી દવાઓ પણ વનસ્પતિની જ બનાવટ હોય છે. હીંગને મોટું વૈદ્યકીય નામ આપી આઇસાફટીડા કહ્યાથી એ હીંગ મટતી નથી. છતાં નામફેર કે દેખાવફેરથી કીંમત વધી જાય છે. વનસ્પતિ ઉપરાંતની દવાઓ – ધાતુ, ભસ્મ, અર્ક, અહીં પણ બનતાં હતાં, અને હજી પણ બનાવી શકાય એમ છે. ગ્રામજનતાને અને મોંઘા ડોક્ટરને ન બને; ગ્રામજનતાને અને મોંઘી દવાઓને પણ ન બને. મોંઘા ડૉક્ટરો વગર ચલાવી શકાશે; મોંઘી દવાઓ વગર ચલાવી શકાશે. ગ્રામજનતા સિવાય હિંદને ચાલે એમ નથી. અને એ ગ્રામજનતાનું આરોગ્ય મોંઘા ડૉક્ટરો અને ખર્ચાળ દવાઓ ન સાચવી શકે તો આપણે તેમને સોંઘા ડૉક્ટરો, વૈદ્યો અને સાહજિક દવાઓ આપવી જ પડશે.