પૃષ્ઠ:Gramonnati.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮ : ગ્રા મો ન્ન તિ
 


વૈદ્યો અને ડૉક્ટરો ધારે તો ગ્રામજીવનમાં મહત્ત્વના સુધારા કરી શકે. તેમના સારા વર્તનથી અને મીઠાશભરી માવજતથી તેઓ ગ્રામજનતામાં દેવ સરખા પૂજાય. તે મોટા બંગલાઓ અને હવેલીઓ કદાચ ગામડાંને પૈસે બંધાવી ન શકે; એકે એક હવેલી ગ્રામજનતાની ઝૂંપડીને ભોગે રચાય છે; પરંતુ સાદું સુખમય, આરામભર્યું અને ઉપયોગી જીવન ગામડાંમાં રહીને પણ વૈદ્ય ડૉક્ટરો ગાળી શકે એમ છે. એટલે સેવાભાવી યુવકોમાંથી ઘણો મોટો ભાગ વૈદ્ય ડોક્ટર તરીકે ગામડે ઊતરી ગ્રામપુનર્ઘટનામાં મહત્ત્વનો ફાળો આપી શકે એમ છે.

સોંઘી દવા

ગામડાંને મોંઘી દવા ન જ પોષાય. ડૉક્ટર વૈદ્ય ધારે તો ગામડાંને માફક આવે એવી અનેક સોંધી દવાઓ તેઓ ઉપજાવી શકે. સેવાભાવ અંતે તો સહુને સફળતા આપે છે. સુંઠ, અજમો, મીઠું, કરિયાતું, ગળો, કાચકાં, હરડાં, બેડાં, આમળાં, જેઠીમધ, તુલસી, લીમડો, ખાખરો, અળશી, મેંદી, થોર, વડ, આકડો, બાવળ વગેરે અનેક વસ્તુઓ એવી છે કે જે ગામડાંને સહજ મળે અને એમાંથી સોંઘી દવા ઉપજાવી શકાય. દસ દસ વીસ વીસ રૂપિયાનાં પરદેશી ઇન્જેક્શનો આપવાની શરમભરેલી સરળતાનો લાભ લેવા કરતાં દેશને અનુકૂળ સોંઘી દવાઓ ઉપજાવવામાં ડૉક્ટર રોકાય તો ય તેમની ભારે કીંમત વળી ગણાય. હિંદને માથે પડેલા આ ડૉક્ટરો આ દૃષ્ટિએ વિચારતા નહિ થાય ત્યાં સુધી તે હિન્દની આઈ. સી. એસ. માફક બોજારૂપ જ ગણાશે.

આમ ગ્રામજીવનમાં સહજલબ્ધ દવાઓ ઉપજાવવી એ ગ્રામોન્નતિનું એક અંગ બની જાય છે.

વળી બીજી સોંઘી દવાઓ, લેપ, સાધનો પણ ગ્રામજનતાને ઝડપથી મળવાં જોઈએ.