પૃષ્ઠ:Gramonnati.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૪ : ગ્રા મો ન્ન તિ
 


ગ્રામનિવાસીઓને પેટભર ખોરાક આપવા માગે છે. ગ્રામ ઉદ્યોગનો વિકાસ, બૃહદ ઉદ્યોગોની સ્થાપના, ખેતીનો સુધારો, મિલકતની પુનર્ઘટના એ બધી જ યોજનાઓની પાછળ એક જ વિચાર ચમકી રહ્યો છેઃ હિંદનાં ભૂખે મરતાં માનવીઓને પોષણ આપવું ! ગાંધીજીએ તો પોતાની પયગંબરી ભાષામાં કહ્યું જ છે કે આજનો ઈશ્વર રોટલીના સ્વરૂપમાં જ ગરીબોને દર્શન દે. એટલે આજનો મહત્ત્વનો-જીવ સટોસટનો–પ્રશ્ન એક જ છે : પૂરતો ખોરાક સહુને શી રીતે પહોંચાડવો. પાક વધારીને, નિકાસ અટકાવીને, ભાવ ઉપર પ્રતિબંધ મૂકીને, ધનિકો ઉપર વધારે ભારણ નાખીને, કામો નવાં નવાં ઉપાડીને, ગ્રામઉદ્યોગની વસ્તુઓ ખરીદવાનું ફરજિયાત કરીને, અને છેવટે મફત અનાજ આપીને પણ સાત લાખ ગામડાંની વસતી બે ટંક પોષણ અને તે પૂરતું પોષણ પામે એ માર્ગ લેવાની જરૂર છે. ગ્રામોન્નતિનો મુખ્ય પ્રશ્ન–આત્મા–પોષણ છે. જે ગામડામાં એકાદ માણસને પણ ભૂખે સુવું પડે એ ગામડાની ઉન્નતિ થઈ નથી એમ જ માનીને ચાલવાનું.

ખોરાક અને તેમાં
૨હેલાં તત્ત્વો

બીજા પ્રશ્નો અગત્યના છે, અને ખોરાકની વસ્તુઓનાં પ્રથ:કરણો કરી તેમાં રહેલાં તત્ત્વોનો અભ્યાસ કરવાના પ્રયત્નો પણ સરકારી રાહે થાય છે. કુનૂરમાં ખાદ્ય વસ્તુઓના અભ્યાસ પ્રયોગ હિંદ માટે ચાલ્યા કરે છે. મિલમાં સાફ થએલા ચોખા રોગવર્ધક છે, અને ઘેર ખાંડેલા ચોખા વધારે પૌષ્ટિક છે એમ પણ લગભગ સિદ્ધ થઈ ગયું છે. દૂધ ઘી જેવા પદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવાનાં પગલાં પણ ધીમે ધીમે વિચારાય છે. સરસ પેય પદાર્થ તરીકે થતી છાશની ગણના આપણાં ગરીબ ગ્રામ ભાઈબહેનને બહુ ઉપયોગી થઈ પડશે. ફળના ઉપયોગ તરફ જનતાને વાળવાનો પ્રયત્નો પણ થાય છે. મગફળી, પાઉં અને બકરીના દૂધનો ગાંધીજીનો પ્રયોગ ગાંધીજીના