પૃષ્ઠ:Gramonnati.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૦ : ગ્રા મો ન્ન તિ
 


ઉગાડવાની ઈચ્છા કરવા સરખું છે. Prenatal – બાળજન્મ પહેલાંની માતાની માવજત ઉપર ભાવિ પ્રજાની શારીરિક અને માનસિક પ્રગતિનો ખૂબ આધાર રહેલો છે. પશુઓની જાત માટે કાળજી રાખનાર માનવી પોતાની જાત વિષે ઓછામાં ઓછી કાળજી રાખે છે. એ નિષ્કાળજી સમગ્ર જનતાના વિકાસની રોધક છે. જન્મપૂર્વના સંસ્કાર અને માનવજાતની પ્રગતિ સાથેનો સંબંધ પૂરેપૂરાં સમજાશે ત્યારે માનવજાતની ક્રૂરતા, કજિયા, અન્યાય અને રોગગ્રસ્ત સ્થિતિ ઘણી ઘટી જશે. ગ્રામોદ્ધાર કરવો હોય તો ગ્રામબાળકો પણ નિરોગી અને સંસ્કારસંપન્ન અવતરે એમ થવું જ જોઇએ.

બાળઉછેર

અને બાળકના જન્મ પછી તો બાળઉછેરના અનેક પ્રશ્નો સામે આવી ઊભા રહે છે. અમુક વયના બાળકની ઉંચાઈ, પહોળાઈ અને તેનું વજન એ તેના આરોગ્યનાં માપ ઠરેલાં હોય છે. એથી ઓછી ઉંચાઈ, પહોળાઈ કે વજન એ અનારોગ્યનાં સૂચક છે. એટલે બાળકો આરોગ્યવાળાં ગણાય એવી કક્ષાએ લાવવાં જ જોઇએ.

બાળકોને પોષણ કેમ આપવું અને કેટલું આપવું, એને કેટલી નિદ્રા લેવા દેવી, એને કેવી રીતે નવરાવવું, કેમ રમાડવું, શું પહેરાવવું એ બધા પ્રશ્નો બાળઉછેરને લાગીને રહ્યા છે. માતા બનવું, પિતા બનવું એ મહા ગંભીર જવાબદારીનું કામ છે. એને માટે શારીરિક અને માનસિક આરોગ્ય ઊંચા પ્રકારનું હોવું જોઈએ. અનારોગ્ય દેહ અને અનારોગ્ય માનસવાળાં માતાપિતા પ્રજોત્પત્તિમાં બિનજવાબદાર વર્તન રાખે એટલે ભાવિ પ્રજા માટે રોગ, ઉગ્ર માનસ, ચાંચલ્ય અને ગુનેહગારીભર્યા તત્ત્વો સજીવન રહે છે અને તેમાં ખૂબ ઉમેરો થયા કરે છે.