પૃષ્ઠ:Gramonnati.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬ : ગ્રા મો ન્ન તિ
 


અને ગામડાંની કળા, રમતગમત, અને રહ્યાંસઘાં આનંદનાં સાધનો મરતી મરતી ગ્રામજનતાને થોડા શ્વાસ આપી રહ્યાં છે. આ બધું સમજવાની, જોવાની, અનુભવવાની ખૂબ જરૂર છે. માત્ર આપણે આપણને ગ્રામ–અભિમુખ બનાવવા જોઈએ. પછી જરૂર લાગશે કે ધર્મ, ફરજ અને સ્વાર્થ આપણને આપણાં ગામડાં તરફ જેવા પ્રેરે છે.

આપણે ધારીએ છીએ તેટલાં ગામડાં નિરસ નથી. જો આપણે દેશનો ઉદ્ધાર કરવો હોય તો ગામડાંનો ઉદ્ધાર કરવો જ પડશે. સાત લાખ ગામડાંને કળાહીન, આળસુ, અજ્ઞાન, ગરીબ અને માંદલાં રાખીને આપણે આગળ વધી શકવાના જ નથી. જ્યાં સુધી આપણે તેમની સાથે રહીએ નહિ ત્યાં સુધી તેમની ઉન્નતિ માટે આશા જ નથી.

ગ્રામજીવનનાં સૌન્દર્યતત્ત્વો તરફ નજર કરી, ગ્રામજીવનને દેશના સંપત્તિભંડાર તરીકે નિહાળી, ગ્રામને રાજકીય કે સામાજિક લડતના વ્યૂહનું એકમ માની એને જીવતું, ઝળકતું, આબાદ અને હસતું જોવા મથવું એનું નામ ગ્રામસેવા. એ સેવા મોટાઈથી નહિ થાય. ઉપકારની દૃષ્ટિથી એ સેવા નહિ થાય. ગ્રામમય બની જવાય તો જ એ સેવા થાય. એ વગર ગ્રામ–ઉન્નતિ નથી. અને ગ્રામ–ઉન્નતિ ન હોય ત્યાં દેશ પણ ઉન્નત કેમ થાય ? ભલેને પછી શહેર કે શહેરવાસી પોતાને ઉન્નતિની ટોચે પહોંચેલાં માને ! એ ટોચના પાયા ડગમગી ગએલા છે.