પૃષ્ઠ:Gramonnati.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રામજીવન અને વ્યાયામ : ૨૨૧
 


ત્યાં આટાપાટા, ખો, ગેડીદડા, ભારદડી, દોડ, આમલી પીપળી, તલ્લક છાંયો, વાઘબકરી, ડુબકીદાવ, ઘોડેસ્વારી વગેરે સુલભ રમતોને વ્યવસ્થિત સ્વરૂપ આપી ગ્રામજનતા પાસે પાછી મૂકવી પડશે.

કવાયત

અને કવાયત - સંયમબદ્ધ, આજ્ઞાબદ્ધ હલનચલનનો અભ્યાસ – આખા હિંદે હાથ કરવાની જરૂર છે. આપણા જીવનમાં અતિશય અનિયમિતપણું છે. સમયની કિંમત આપણને બહુ નથી જ. એક જ પ્રવાહમાં આપણી શક્તિઓ વાળતાં આપણને આવડતું નથી. આપણે સરખું બોલી શકતા નથી, સરખું ચાલી શકતા નથી, અરે એક સાથે બુમ પણ પાડી શકતા નથી. આપણાં ટોળાં અવ્યવસ્થાને લીધે શક્તિહીન, ભયપ્રેરક, પ્રગતિરોધક તો બની જાય છે. એને લીધે આપણી કાર્યસિદ્ધિ અલ્પ બની રહે છે. હજાર હાથ ભેગા થાય તો સહસ્ત્રાર્જુનની માફક વહેતી નદીના પ્રવાહને પણ ખાળી શકાય. પરંતુ આપણા સમૂહજીવનના હજાર હાથ તો ગમે તેમ વીંઝાતાં, ગમે તેમ અથડાતાં, અથડાઈને નિષ્ક્રિય બની જતાં અને અંતે તૂટી જઈ પ્રવાહમાં તણાઈ જતાં તણખલાં બની રહે છે. કવાયત આપણા જીવનને ઉદ્દેશભર્યું બનાવે છે, આપણી પ્રવૃત્તિને લક્ષ્ય આપે છે, આપણાં કાર્યને વેગ આપે છે અને સામુદાયિક એકતાની સાધનાવડે આપણા જીવનને, આપણી પ્રવૃત્તિને અને આપણા કાર્યને સંપૂર્ણ સિદ્ધિ અર્પે છે. કવાયતની પાછળ સમગ્રતાનું બળ રહેલું છે, સમુદાયની સ્ફૂર્તિ રહેલી છે અને સંઘપ્રવૃત્તિનો પ્રફુલ્લ આનંદ રહેલો છે. આપણું જીવન જેમ બને તેમ વહેલું કવાયતી બનવું જોઈએ. આપણા સ્વભાવનાં, આપણી બુદ્ધિનાં અને આપણા જીવનનાં વિરોધી, છિન્નભિન્ન કરતાં, ખેંચાખેંચી કરતાં, કદરૂપાં તત્ત્વો કવાયત દ્વારા ધ્યેયલક્ષી, પરસ્પર ઉપકારક, સૌન્દર્યભર્યાં, બલપ્રદ અંગ બની જશે.