પૃષ્ઠ:Gramonnati.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.







ગ્રામોન્નતિ
ગ્રામોન્નતિના
મહત્વનો સ્વીકાર

ગ્રામોન્નતિ અને ગ્રામસુધારણા સંબંધમાં આજકાલ ઘણું બોલાય છે અને લખાય છે, એ એક શુભ ચિહ્ન છે. ગ્રામ–ઉન્નતિ વિષે રાજ્ય અને પ્રજા તરફથી ઓછા વધતા પ્રયત્નો થવા લાગ્યા છે. એ બધા પ્રયત્નો હજી જોઈએ તેવા સંગીન નથી. એનાં અનેક–રાજકીય તેમ સામાજિક કારણો છે. ગામડાનું મહત્ત્વ સ્વીકારાયું અને તેની ઉન્નતિ કરવાની ખૂબ જરૂર છે એ વિષે કાર્યકર્તાઓમાં એક પ્રકારનું તીવ્ર ભાન જાગ્રત થવા લાગ્યું છે એ એક શુભ ચિહ્ન ગણાય.

ગામડાં પ્રત્યેનો
તિરસ્કાર

ગામડું એ જાણે શહેરની કૃપા ઉપર આધાર રાખી રહેલું હોય એવો ભાવ થોડા સમય ઉપર હતો અને હજી પણ એ ભાવ તદ્દન ચાલ્યો ગયો નથી. ‘ગામડિયો’ એ શબ્દનો અર્થ તો ગામડાંનો રહેનાર એવો જ થવો જોઈએ પરંતુ ગામડાંમાં એવાં તત્ત્વો આપણે દાખલ થવા દીધાં છે કે જેથી ‘ગામડિયા’ના અર્થમાં ‘અકુલીન,’ ‘અસંસ્કારી,’ ‘અશિષ્ટ,’ ‘મંદ બુદ્ધિનો,’ ‘જડ’ એવા ભાવ દાખલ થઈ ગયા છે. શબ્દ સાથે જડાયલા એ ભાવ હજી ખસ્યા નથી એમાં જેટલો ગામડાંનો વાંક છે એટલો જ શહેરોનો પણ વાંક છે.