પૃષ્ઠ:Gramonnati.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૬ : ગ્રા મો ન્ન તિ
 


અહિંસા અને
વ્યાયામ

ગાંધીજીની શાન્તિસ્થાપના ટુકડીઓ, અને વર્ષો પૂર્વે વિચારાતી માનવદિવાલ એ અહિંસક વ્યૂહરચનાનાં અસ્પષ્ટ સ્વરૂપો છે. અહિંસા સહુથી પ્રથમ પ્રાણાર્પણની તૈયારી માગે છે, અપાર દેહકષ્ટની તૈયારી માગે છે, અપૂર્વ મનસંયમનો આગ્રહ રાખે છે, પ્રેમની પરાકાષ્ટા ઈચ્છે છે, અને સમૂહ તરીકે થતા શાન્તિમય સામનાની શક્યતા સ્વીકારી વ્યુહરચનામાં પણ તે માને છે. નિરર્થક પ્રાણ ખોવામાં તો તેને અશ્રદ્ધા જ હોય. આમ હિંસાત્મક આક્રમણમાં જે ગુણો જરૂરી ગણાય છે તે ઉપરાંત અતિ મહત્ત્વના ગુણની અપેક્ષા અહિંસાત્મક વિરોધમાં જરૂરી છે. એટલે કસાયેલું શરીર, ખેલદીલી અને શિસ્ત – સંયમ – આજ્ઞાધારકપણું અહિંસક યોદ્ધામાં તો પૂર્ણપણે વિકસાવવાં જોઈએ. હિંસા કે અહિંસા જે માર્ગ જગતને ગ્રહણ કરવો હોય તે કરે. અંતિમ ધ્યેય તો અહિંસાનું જ રહે. છતાં હિંસામાંથી અહિંસામાં જતાં જતાં અહિંસાનો સંપૂર્ણ સ્વીકાર કરવા છતાં વ્યાયામની જરૂર તો રહેશે જ, અને હિંસા કરતાં અહિંસામાં વ્યાયામની વધારે જરૂર રહેશે. કવાયત વગર તો કોઇથી આગળ ચલાય જ નહિ. હિંદને કવાયત કરતાં ન આવડ્યું એટલે એને પરાધીનતા મળી એમ કહીએ તો છેક ખોટું નથી.

ગ્રામજનતા પણ કવાયત માગે છે. એને પણ એક સરખા પગ મૂકવા છે, એક સરખા હાથ હલાવવા છે, એક સરખી ગતિ કરવી છે, અને એક ગીત ગાવું છે.

કેટલીક મુશ્કેલીઓ

પરંતુ ગ્રામજનતા તો મહેનત કરે જ છે. સવારથી રાત સુધી ગ્રામજનતા કામગરી : પુરુષ ખેતી કરે, સ્ત્રીઓ ઘરકામ અને ઢોરઢાંક સંભાળે. એટલે ગ્રામજનતાને કસરત, રમતગમત કે કવાયતનો અવકાશ જ નથી એમ કદાચ દલીલ થાય.