પૃષ્ઠ:Gramonnati.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮ : ગ્રા મો ન્ન તિ
 

 મિથ્યાભિમાની શહેરો અને શહેરનિવાસીઓએ એટલું સમજવાની જરૂર છે કે હિંદુસ્તાનની વસ્તીને એંશી ટકા જેટલો ભાગ ગામડાંમાં રહે છે; શહેરનો મોટો ભાગ પણ ગામડાંની લગોલગ આવેલો છે; ઉપરાંત શહેરનો ખોરાક અને શહેરોની મજૂરી ગામડાં જ પૂરાં પાડે છે.

ગામડાંની પરિસ્થિતિ

શહેરનું પાણી અને પોષણકર્તા ગામડું કેવું છે ? ધૂળથી ભરેલું, અને ગંદકીવાળું; મેલેરીઆનું તો તે ધામ; માખી અને મચ્છરનો જાણે મધપૂડો; રહેવાનાં સાધનોના અભાવવાળું – ઘણી વખત તો માણસ અને જાનવરને ભેગાં સૂવું પડે એવા ગૃહસંકોચવાળું; તેનાં જવરઅવરનાં સાધનો બહુ જ પ્રાથમિક સ્થિતિમાં, અને રસ્તાઓ તો ધૂળ, કાદવ અને ખાડાથી ભરપૂર; રાત પડ્યે ગામમાં અંધકાર ફેલાયો જ હોય; અને અનારોગ્ય ભરી ટેવો છતાં ત્યાં ઔષધનો અભાવ જ હોય; કેળવણીનું તો ત્યાં પૂછવું જ શું ? કોઈ કોઈ ગામડે મરતી મરતી શાળા ચાલતી હોય; પરંતુ ઘણી જગાએ તો તે પણ નહીં. અને ગામડાંને મોજશૉખનાં સાધનોનું તે સ્વપ્ન પણ ક્યાંથી આવે ?

પુનર્ઘટનાનો અમલ
ગામડામાંથી

આવાં ગામડાંમાં આપણી વસ્તીનો મુખ્ય ભાગ જીવી રહ્યો છે. એ ગામડાં જ્યાં સુધી સતેજ અને ઊજળાં બને નહિ ત્યાં સુધી શહેરનાં ઝાકઝમાળ દૃશ્યો નિરર્થક છે. રાજમહેલ કે ગવર્નમેન્ટ હાઉસ ગમે એટલાં દેદીપ્યમાન હોય છતાં ઝૂંપડી કેવી છે એ પ્રશ્નનો ઉત્તર ઉપર રાજ્યની પ્રગતિનો આધાર રહેવાનો છે; શહેરના રસ્તા ભલે ચોક્ખા અને સો ફૂટ પહોળાઈના રચાય; છતાં ગ્રામ્ય રસ્તાઓ કીચડ ભરેલા રહેશે તો ભવિષ્યનો ઈતિહાસકાર જરૂર રાજ્ય-વ્યવસ્થામાં કાંઇ મેલ શોધી કાઢવાનો. આખા જગતમાં પુનર્ઘટના થઈ રહી છે.