પૃષ્ઠ:Gramonnati.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૬ : ગ્રા મો ન્ન તિ
 


વકીલ કે પત્રકાર સરખા આગેવાનો સદ્‌ભાગ્યે ગામડાંમાં હોતા નથી, એટલે તેમની ગણત્રી આમાં થઈ શકે એમ નથી.

વતનદાર-ઈનામદાર

પ્રથમવર્ગના આગેવાનો ઘણુંખરું ગામમાં રહેતા નથી. તેઓ તાલુકાના મુખ્ય સ્થળે વસે છે. ગામડાંમાં રહેતા હોય તો ગામના કામમાં તેમની સલાહ પૂછાય છે, અને તેમને ગાદીતકીએ બેસાડી માનભર્યું સ્થાન આપવામાં આવે છે. પરંતુ ગામની ખરી આગેવાની કરવાની શક્તિ આ વર્ગ ખોઈ બેઠો છે. કુળની મોટાઈના ઘમંડમાં ઈનામદાર અને જાગીરદારો સામાન્ય જનતાની સાથે ભળતા નથી, અને તેથી સામાન્ય જનતાની જરૂરિયાતો સમજી શકતા નથી. પોતાના નામ પ્રમાણે કરા-વરા અને ખર્ચખૂટણમાં એ વર્ગ એટલો ઘસાઈ ગયેલો હોય છે કે જમીનજાગીરને ગીરે વેચાણ કરવાની, લહેણદારોના વાયદા પતાવવાની અને તેમ છતાં પોતાની મોટાઈ જાળવી રાખવાની જંજાળમાંથી તેઓ ઊંચા આવી શકતા નથી. ઉપરાંત ભાઈ–ભાઈ અને પિતરાઈઓ વચ્ચે ભાગલાગ તથા વહેંચણવહિવટ સંબંધમાં ઝગડાની એવી પરંપરા જામેલી હોય છે કે દીવાની ફોજદારીમાંથી તેનો પરવાર જ આવતો નથી. તકરાર ન હોય એ વતનદાર શોધી કાઢનારને ઇનામ આપવાનું જાહેર થાય તો એ ઇનામ આપવાનો

ભાગ્યે જ પ્રસંગ આવે.

નિરર્થક આગેવાની

આમ આ પ્રથમ વર્ગ ગામડાંમાં રહેતો હોય છતાં ગ્રામ્ય દુનિયાથી જુદી જ દુનિયામાં વસતો હોવાથી એની આગેવાની નિરર્થક છે,—નામની જ છે; ગામને તેની આગેવાની જરા ય કામની નથી. વળી પૂર્વજોના આશ્રયે માંદું જીવન ગાળી રહેલા એ વર્ગમાં ગામની આગેવાની–ખરી આગેવાની-કરવાની શક્યતા પણ રહેલી હશે કે કેમ એ શંકા ભરેલું છે.