પૃષ્ઠ:Gramonnati.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રામનેતૃત્વ : ગામડાંના આગેવાનો : ૨૩૭
 


શાહુકાર

આગેવાનોનો બીજો વર્ગ એ ગ્રામજીવનની વિલક્ષણતા દર્શાવતો વર્ગ છે. દોરીલોટો લઈ ગામે આવેલા કે નાનકડી મીઠા-મરચાની દુકાન કરતા વણિકને તેની હયાતીમાં જ શેઠાઈ મળી જાય છે. અને તેની એક બે પેઢી થતાં તો તેનું કુટુંબ લક્ષાધિપતિની ગણતરીમાં આવી જાય છે. એટલું જ નહિ પણ વિશાળ જમીનની માલકી પણ એ કુટુંબની થાય છે. ગામડાંમાંથી આ સંપત્તિ મેળવનાર શાહુકાર કેવી રીતે સંપત્તિ મેળવે છે તેનું વર્ણન અહીં કરવાની જરૂર નથી. અહીં એટલું જ જાણવું બસ થશે કે શાહુકાર ગામનો આગેવાન હોય છે, અને માત્ર પ્રતિષ્ઠાની દૃષ્ટિએ તેનું સ્થાન વતનદારીથી ઊતરતું હોય છતાં તેની આગેવાની પ્રથમ વર્ગ કરતાં વધારે જબરી અને વધારે અસરકારક હોય છે. ગામના ધનની શાહુકાર એ ધોરી નસ છે. એના વગર ખેડૂતોને ચાલતું નથી, એટલે શાહુકારની આગેવાની સ્વીકાર્યા વગર પણ ચાલતું નથી.

શાહુકારનું ધ્યેય

પરંતુ શાહુકારની આગેવાની બે કારણે ઈચ્છવા સરખી નથી : (૧) શાહુકારનું ધ્યેય માત્ર ધન-ઉપાર્જનનું જ હોય છે. એની દૃષ્ટિ ખુલ્લી રીતે સ્વાર્થથી વીંટળાયેલી હોય છે. જે આગેવાની–જે કાર્યમાં શાહુકારનાં નાણાં વધારે નહિ એ આગેવાની–તરફ શાહુકારને જરા ય સહાનુભૂતિ હોતી નથી. (૨) ગ્રામજનતાની સંપૂર્ણ ઉન્નતિમાં શાહુકાર હજી પોતાનો વિનાશ અગર નિરર્થકતા જોઈ શકે છે. એટલે પોતાનો પૈસો વધારવાના તેમ જ પોતાની શેઠાઈ–શાહુકારી કાયમ રાખનારાં કાર્યો સિવાયનાં કાર્યોમાં શાહુકારોને કશું જ લાગતું વળગતું નથી. નિશાળ કાઢવા માટે શાહુકારની પાસે પૈસા નથી; ગામના લોકો શાહુકાર પાસેથી સારા વ્યાજે રકમ લઈ નિશાળ ઉઘાડે તો તેમની