પૃષ્ઠ:Gramonnati.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૪ : ગ્રા મો ન્ન તિ
 


સાધન થઈ પડેલું હોય છે. આપણા વકીલવર્ગની માફક આ ખટપટિયા આગેવાનોને તેમનું ભણતર સહાયરૂપ થઈ પડે છે. ઓછું વધતું ભણતર, સહજ નિયમોની માહિતી, વાચાળપણું અને આડંબરની આવડત એ મૂડી ઉપર તેઓ વ્યાપાર ચલાવી ગ્રામશાન્તિને છિન્નભિન્ન કરી નાખે છે.

ગામના માણસોને અંદર અંદર ઉશ્કેરી લઢાવી મારવા, લઢાઈની સમાધાનીનો દેખાવ કરી બન્ને પક્ષનાં ખિસ્સાં હળવાં કરવાં, ન્યાય અપાવવા આગળ વળી અમલદારો અને સરકારી નોકરોને આડે રસ્તે દોરવા, પારકે પૈસે અમલદારોની મહેરબાની મેળવવી, એ મહેરબાનીના દેખાવનો લાભ લેઈ ગામલોકો ઉપર પોતાને કાબુ જમાવવો, અને અમલદાર વિરુદ્ધ ખરી ખોટી હકીકત ચાડીચુગલી રૂપે અગર નનામી અરજીઓ દ્વારા ફેલાવી અમલદારોને પણ દાબમાં રાખવા કોશિશ કરવી : આવાં આવાં કાર્યોની જાળ ફેલાવનાર ચૌદશિયાઓ ગ્રામજીવનના વિકાસમાં ભારે અડચણરૂપ છે.

આવા આગેવાનોને હૃદય હોતું નથી; સ્વાર્થની સાધનામાં તેમને કશું જ નડતું નથી; ખાનદાની, પ્રતિષ્ઠા, ન્યાય, સત્ય એ માત્ર તેમને રમવાનાં રમકડાં રૂપ હોય છે. ગામનો એકે એક માણસ તેનાથી ડરતો રહે છે, અને એ ડરમાં અને ડરમાં તેની આગેવાની કાયમની બની જાય છે વિઘ્ન ઊભાં કરવાની તેની અજબ શક્તિ હોય છે. તેની સંમતિ વગર ગામનું કશું કામ થઈ શકતું નથી. આર્થિક લાભ વગર તેની સંમતિ મળતી નથી.

અમલદારનું ઓળખાણ કરી લેવાની તેમનામાં ભારે આવડત હોય છે. અમલદારનો ફેરો ખાવામાં, અમલદારની સગવડ સાચવવામાં, અમલદારની જરૂરિયાતો પૂરી પાડવામાં આ વર્ગનો આગેવાન એક્કો હોય છે. તેમાં જે તે નિસ્પૃહીપણાનો દેખાવ બહુ સફાઈથી