પૃષ્ઠ:Gramonnati.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રા મો ન્ન તિ: ૧૧
 


જનતાની સેવા કરવી એ ગ્રામઉન્નતિનું પહેલું પગથિયું છે એમ તેમણે સિદ્ધ કરી આપ્યું છે.

ગ્રામ્ય થાણાં અને
જાગૃતિ

ગામડાંમાં તેમણે સ્થાપેલાં થાણાં કેવી જાગૃતિ લાવે છે તે કોઈથી અજાણ્યું નથી. તેમની રાજકીય પ્રવૃત્તિ બદલ ભલે મતભેદ હોય, પરંતુ જનતાની જે જાગૃતિ ગાંધીજીએ સાધી છે તે જાગૃતિ અદ્ભુત છે એમ તેમના વિરોધીઓને પણ કહેવું પડે છે.

આમ આ યુગપુરુષની યોજના અનુસાર ગ્રામપ્રવેશ અને ગ્રામનિવાસ એ ગ્રામોન્નતિનાં આવશ્યક પ્રથમ પગથિયાં છે.

સરકારી પ્રયત્નોની
મૂળભૂત ખામી

હિંદમાં જુદી જુદી સરકારો તરફથી ગ્રામોન્નતિના પ્રયત્નો થાય છે, એની ના નહિ. પરંતુ તે મોટે ભાગે અમલદારોની વૃત્તિ અને નિવૃત્તિ ઉપર આધાર રાખી કરવામાં આવે છે. વળી અમલદારોની અસ્થિર મુદત પણ તેમાં વિઘ્નરૂપ છે. ઉપરાંત મોટે ભાગે મુલ્કી કામમાંથી ફુરસદ મેળવી ગ્રામોન્નતિનાં કરવાના કામ માત્ર દેખાવ અને શોભા બની જઈ કાયમનું ફળ તેમાંથી ઊપજતું નથી. લોકોની ઉન્નતિના સાચા પ્રયત્ન કરતાં તેમાં અમલદારની હોંશિયારીનો દેખાવ વધારે પ્રમાણમાં થાય છે. એ દેખાવમાં ઉપરીઓને ખુશ રાખી પોતાની વ્યકિતગત પ્રગતિ સાધવાની વૃત્તિ પણ કંઈક અંશે રહેલી હોય છે. એટલે સેવાભાવી સ્વયંસેવકો અને મિશનરીઓ સરખું અમલદારોનું કામ સચોટ અને સાચું બની શકતું નથી. અમલદારોનાં ગ્રામોન્નતિનાં કાર્યોમાં મહેરબાની અને શૉખના અંશો મોટે ભાગે રહેલા હોય છે. ગામડાંને મહેરબાની જોઇતી નથી. ગામડાંની ઉન્નતિ કોઈ પરવારતા અમલદારના શૉખનો વિષય થઈ પડે એવી પણ ગામડાંને જરૂર નથી. તેમને