પૃષ્ઠ:Gramonnati.pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ ગામડું : ૨૬૫
 


મૂર્તિ ઘડી રાખી આપણાં ગામડાંને તેવું સ્વરૂપ આપવા આપણે સહુ પ્રયત્નશીલ બનીએ. આજના ગામડાં શું માગી રહ્યાં છે તે એ કલ્પનામાંથી – એ મૂર્તિમાંથી – એ નકશામાંથી આપણને જડી આવશે. અને જ્યારે આપણે આદર્શ ગામની વિગતોનું પ્રથઃકરણ કરીશું ત્યારે એમ પણ લાગશે કે એમાંની ઘણી જરૂરિયાતો પૂરી પાડી શકાય એમ છે.

વ્યાવહારિક
જરુરિયાતો

ગામ એટલે લોકસમૂહનું રહેઠાણ. હિંદુસ્તાનમાં ગામ કૃષિપ્રધાન છે. એ કૃષિ ઉપર જીવતા લોકોને વ્યાવહારિક રીતે નીચેની વસ્તુઓ તો જરૂરની ખરી જ. સામાન્ય વિચાર કરતાં પણ એ જરૂરિયાતો પૂરી પાડવી જોઈએ એમ સહજ જણાશે :—

(૧) સ્વચ્છ અને હવા અજવાળા વાળાં મકાન. ગામડું મહેલ માગતું નથી. પરંતુ તેમાં નિવાસ કરનારને સંકોચ ન પડે એટલી જગા તો તે જરૂર માગે. સૂર્યનાં કિરણો અને હવાની અવરજવર પૂરતી હોય, નાનાં મોટાં સહુ સહુની મર્યાદા અને એકાન્ત સચવાય એવી સગવડ હોય, નિત્ય કાર્યો માટે આરોગ્ય સચવાય એવી ગોઠવણ હોય તથા આંગણું અને વાડાની મોકળાશ હોય એવી ઘરની રચના હોવી જોઇએ. ગામડાનું ઘર આટલું માગે એ શું વધારે પડતું છે ? કીમતી, ઈંટેરી, સીમેન્ટની હવેલીઓ વગર ચાલશે. પરંતુ સામાન્ય મકાન કે ઝૂંપડીમાં આટલી સગવડ તો જોઈએ જ.

(૨) પશુઓ માટેનાં સ્વચ્છ રહેઠાણ. જાનવરોને પણ માણસ જેટલી જ હવા અજવાળાની જરૂર છે. બની શકે તેમ બન્નેનાં રહેઠાણ જુદાં સારાં. ન બને ત્યાં બન્નેનાં રહેઠાણો વચ્ચે યોગ્ય આંતરા તો જોઇએ જ.