પૃષ્ઠ:Gramonnati.pdf/૨૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ ગામડું : ૨૬૭
 


ખોદકામ અને બાંધકામ પણ થવાં જોઈએ. ખોદકામ તો ગામલોકો ધારે તો વર્ષોવર્ષ ચાલ્યા કરે. કેટલીક પાળ કે બંધારા પણ ગામલોકો જાતે બાંધી શકે.

(૭) પાણી વહી જવાના કાંસ. વરસાદ કે નદીના પાણીને કેળવતાં આવડવું જોઇએ. નહિ તો ગામમાં ખાડાઓ પડી, પાણી ભરાઈ રહી, મચ્છર અને મચ્છરદ્વારા ટાઢીઆ તાવનો ઉપદ્રવ થયા વગર રહે નહિ. વરસાદનાં વહી જતાં પાણી સાથે આપણી જમીનની ફળદ્રુપતાનો કેટલોક ભાગ પણ ઘસડાઈ જાય છે. એ તરફ હજી આપણું ધ્યાન સુદ્ધાં ગયું નથી. પાણીના માર્ગ માટે ગરનાળાં અને પૂલ-પાકા ન બને ત્યાં લાકડીપૂલની પણ જરૂર ખરી.

(૮) અંધારિયામાં શેરીએ શેરીએ દિવાબત્તીની સગવડ. શેરીનાં માણસ ધારે તો વારાફરતી આ કામ માથે લઈ શકે છે. એક શેરીમાં એકબે દિવા હોય તો બસ થઈ જાય.

(૯) અતિથિ અભ્યાગતને માટે અગર ગામાત કામ – સમૂહ વિચારણા–સભા માટે ધર્મશાળા કે ચોરા સરખું મકાન.

ઉપરની જરૂરિયાતો સ્થૂલ પ્રકારની – આંખે દેખી શકાય એવી – નિત્ય વ્યવહારની છે. તેને સ્થૂલ કહેવામાં તેમને ઉતારી પાડવાનો જરા પણ ભાસ થવો ન જોઈએ. આદર્શ ગામમાં ઉપરની એકે વસ્તુ વગર ન ચાલે.

સૂક્ષ્મ જરુરિયાતો

હવે આપણે આદર્શ ગામ માટેની કેટલીક સૂક્ષ્મ સમાજના માનસને સીધી અસર કરનારી – જરુરિયાતો વિષે વિચાર કરીશું. એ જરૂરિયાતો ગામના સામુદાયિક વિકાસનાં સંસ્થા રૂપે – સમૂહરૂપે વ્યક્ત થતાં પરિણામ છે. એમનો ખૂબ ઉપયોગ છે – સ્થૂલ ઉપયોગના પ્રકાર સરખો જ.