પૃષ્ઠ:Gramonnati.pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૦ : ગ્રા મો ન્ન તિ
 


ન્યાય એ સઘળી વિગતોનો ઉકેલ કરવા માટે, ટુંકામાં ગામનો વહીવટ કરવા માટે આગેવાનોનું એક મંડળ નીમાય કે ચૂંટાય એનું નામ પંચાયત. પછી તે ગામલોકોએ જાતે સ્થાપ્યું હોય કે સરકારી કાયદા અનુસાર તેનું ઘડતર ઘડાયું હોય. ગામની જરૂરિયાતો સમજી, સરકાર અગર લોકમદદ મેળવી, ગામના ઝઘડા પતાવી, સૌને માર્ગદર્શક બને એવા સ્વાર્થ રહિત આગેવાનો પંચાયતના સભ્યો તરીકે હોવા જોઇએ.

રાજવહીવટ અને ગામવહીવટ વચ્ચે પ્રત્યક્ષ સંબંધ બાંધી ગ્રામજનતામાં રાજકીય ભાન જાગ્રત રાખનાર આ જ સંસ્થા છે. એટલે આદર્શ ગામની પંચાયત પોતાનાં કર્તવ્યોનું પૂરું પાલન કરતી હોવી જોઈએ, મળી શકે એટલા હકો ભોગવતી હોવી જોઈએ અને પોતાની લાયકાત વડે ગામના વહીવટનું ભારણ સરકારને માથેથી ઓછું કરવા પ્રવૃત્ત રહેતી હોવી જોઈએ.

(૬) સહકારી મંડળી. હિંદનો ખેડૂત એવી સ્થિતિએ પહોંચ્યો છે કે તેનાથી એકલે હાથે સફળતા મેળવાય એમ નથી. ગામની ખેતી, ગામની પેદાશ, પેદાશનો વેપાર અને વેપારમાંથી મળતાં નાણાં એ સર્વમાં આખા ગામને સમગ્ર અને વ્યક્તિગત હિતસંબંધ રહે તો જ ગામની આર્થિક સ્થિતિ સદ્ધર રહી શકે. નાણાંની આપલેમાં પણ એ જ ભાવના પ્રવર્તતી હોવી જોઈએ. એકની આંટ સાચવવા બીજી વ્યક્તિ તૈયાર રહે એ નિકટ આર્થિક સંબંધ ઊભો કરવા માટે પણ સહકારી મંડળીની આવશ્યકતા છે.

(૭) વળી જરૂર પડે તો રાત્રિશાળા તેમ જ રાત્રિશાળા સામાન્યશાળા સાથે અને શિક્ષણવર્ગો પંચાયત કે સહકાર્યની સંસ્થા સાથે અગર વ્યાયામમંડળ સાથે ભેળવી પણ શકાય.