પૃષ્ઠ:Gramonnati.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ ગામડું : ૨૭૫
 


આદર્શ ગામની આદર્શતાનો આપણે એક સામટો વિચાર કરી જઈએ. જીવનના ત્રણ અંશો એ જ ગ્રામજીવનના પણ અશોઃ ૧ ઉપયોગ, ૨ જ્ઞાન, ૩ રસ-સૌન્દર્ય—આનંદ. આદર્શ ગામમાં એ ત્રણે અંશો તેના વિભાગોસહ ખીલવવા જોઈએ.

મુશ્કેલ છતાં શક્ય

આ કામ ઘણું મુશ્કેલ છે. એક એક અંગ જીવનભરની સેવા માગે તો ય તે ઓછી પડે એમ છે. છતાં આદર્શ સેવકો, આદર્શ નેતાઓ માટે એ મુશ્કેલ કહેવાય નહિ. દૃઢ નિશ્ચયથી કામ કરનાર ગ્રામસેવક ત્રણ વર્ષ કે પાંચ વર્ષમાં પોતાના ગામને જરૂર આદર્શરૂપ બનાવી શકે એમ છે. ઘણી વસ્તુઓ તો ગામમાં હોય છે જ. માત્ર તેમને ગોઠવવાની સાફ કરવાની જ જરૂર છે.

ગામડું એ દેશનો
આયનો

તો હવે આદર્શ ગામને આપણે કેવી રીતે ઓળખીશું ? નીચે આપેલા નકશાને બંધબેસતું જે આવે તેને જ આદર્શ ગામ કહી શકાય. એમાંનું જે અંગ ન હોય તે ખીલવવું એમાં ખરી જનસેવા અને દેશસેવા રહેલી છે. ગામડું એ દેશનો આયનો છે. દેશની ખરી છબી જોવી હોય તો તેનાં ગામડાં તરફ નજર કરવી. જેટલે અંશે ગામડું આદર્શરૂપ દેખાય તેટલે અંશે દેશ આદર્શરૂપ બનતો જાય છે, એમ માનવું જોઇએ. પશ્ચિમનાં ગામડાં સમૃદ્ધિ અને સાધનોથી ભરેલાં છે. આપણે વિચાર કરીએ કે આપણા દેશનાં લાખ ગામડાંમાંથી કેટલાં ગામડાં પાછળ આપેલા ચોકઠામાં બેસાડી શકાશે.