પૃષ્ઠ:Gramonnati.pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રામોન્નતિના માર્ગ : ૨૮૭
 


છે. એકલી ધૂન બહુ ઝડપથી ઓસરી જાય છે. એમાં નિરાશા, નિષ્ફળતા અને પ્રત્યાઘાત અચૂક ઉત્પન્ન થાય છે.

થોડું થોડું કાર્ય

આવી કેન્દ્ર સ્થાપના ઉપરાન્ત બીજા પ્રકારોને પણ ગ્રામોન્નતિ અર્થે ઉપયોગ થઈ શકે એમ છે. અમલદાર પોતાની ફેરણીમાં ગ્રામોન્નતિનાં અનેક કાર્યો–સફાઈનાં, તંદુરસ્તીનાં, સમૂહ બળના ઉપયોગ દ્વારા રસ્તા ઠીક કરાવવાનાં વગેરે કરી શકે; શિક્ષક ગામે રહીને શિક્ષણ વિસ્તારી શકે અને રમતગમત દ્વારા ગ્રામજીવનમાં બળ અને ફૂર્તિ લાવી શકે; ડૉક્ટરો ગામડાના દેહને તપાસી શકે; વિદ્યાર્થીઓ રજાના સમયનો ગ્રામોન્નતિમાં

ઉપયોગ કરી શકે. આમ જેનાથી બને તેણે ધર્મ સમજીને ગ્રામોન્નતિના કાર્યમાં સહાય અને સમય આપવાં જ જોઇએ. વર્ષમાં મહિનો, મહિનામાં અઠવાડિયું અને અઠવાડિયામાં એક કલાક પણ સહુ કોઈ ગ્રામોન્નતિના કાર્યમાં ગાળે તો ગ્રામજનતાના કેન્દ્રમાં રોકાયા સિવાય અને પોષણના માર્ગો માટે શહેરનો વસવાટ જરૂરી હોય તે છતાં ગ્રામોન્નિતિના કાર્યમાં કૈંક ફાળા સહુ કોઈ આપી શકે.

મંડળો

શહેરનાં મંડળો–સમાજ સેવાનાં, વ્યાયામનાં, બાળચમુના, સ્ત્રીઓનાં, વિદ્યાર્થીઓનાં–પણ ધારે તો શહેર પાસેનાં ગામડાંમાં ગ્રામોન્નતિનો કાર્યક્રમ ગોઠવી શકે. આર્થિક અને સામાજિક ઉન્નતિના બધા જ માર્ગ એક સાથે લેવા જ જોઈએ એમ નથી. ગ્રામજનતા સાથે હળવાભળવાનું કાર્ય પણ બહુ જરૂરી છે. તેમના જીવનનો અભ્યાસ પણ થઈ શકે. તેમનાં ગીતો, રમતગમત વગેરેમાં પણ રસ લેઈ શકાય. તેમની સાથે વાર્તાલાપ થઈ શકે. તેમને સમજાય એવાં વ્યાખ્યાનો, વાર્તાઓ, ગીત, ભજન, રાસ, નાટકો, સંવાદો વગેરે પણ મંડળો દ્વારા યોજી શકાય, અને ગ્રામજનતામાં જાગૃતિ લાવી શકાય.