પૃષ્ઠ:Gramonnati.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગામડું અને ઉન્નતિ પ્રકાર : ૧૯
 

 અને પૂરતું દેહઢાંકણ ઊપજી શકે છે–ઊપજે છે જ, છતાં તેની વહેંચણી કરતાં હજી આપણને આવડ્યું નથી. તેથી જ માનવજાતનો એક વિભાગ ખોરાકપોષાકના ઢગલા ઉપર બેસી ગંજીના કૂતરાનો ભાવ ભજવે છે, જ્યારે માનવજાતનો બીજો મોટો વિભાગ પેટભર અન્ન પામતો નથી, એટલું જ નહિ પરંતુ એ અન્નવસ્ત્રના ઢગલાને વેડફાતો અગર નિરર્થક સંગ્રહાતો જોઈ બળીઝળી રહે છે. જગતની આર્થિક ઉન્નતિ મૂડીવાદથી સધાય કે સામ્યવાદથી સધાય તેનાં અન્વેષણો અને પ્રયોગો ચાલુ થઈ ગયાં છે, અને મૂડીવાદના મોરચા પાછો હઠતા જાય છે એમ સ્પષ્ટ દેખાઈ આવે છે. મૂડીવાદ–અર્થવાદ માનવજાતની ગરીબી ટાળી શક્યો નથી, માનવજાતના સંસ્કારને દીપાવે એવી વ્યવસ્થા ઊભી કરી શક્યો નથી અને ભૂમિલોભ, રાજલોભ, ધનલોભમાં ઘડી ઘડી યુદ્ધની મહા જંગલી, ઘાતકી, અને માણસાઈને લજાવનારી ભૂમિકાએ માનવીને લેઈ જાય છે એટલું તો સહજ સમજાય એમ છે.

આ અર્થવાદ અને સામ્યવાદના ઝડપથી સામે આવતા પ્રશ્નનો માત્ર ઉલ્લેખ કરી ગ્રામોન્નતિનાં વ્યવહારુ આર્થિક અંગોને એક પછી એક વિચારીએ.

આર્થિક ઉન્નતિ

આર્થિક ઉન્નતિ એટલે શું તેનો એકત્ર વિચાર આવી શકે એટલા માટે તેનાં અંગ ઉપાંગોનું વૃક્ષચિત્ર નીચે આપ્યું છે. આ ઉપરથી જ જણાઈ આવશે કે ગ્રામોન્નતિનો પ્રશ્ન એ ફક્ત વાતો કરવાનો કે ખેડૂતોને શિખામણ આપી બેસી રહેવાનો પ્રશ્ન નથી. એનો ઉકેલ બહુ વિચારણા, પ્રયોગ અને ભોગ માગે એમ છે.