પૃષ્ઠ:Gramonnati.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખેતી સુધારણા : ૨૩
 


નથી. વ્યાવહારિક જ્ઞાન આપણી કહેવતોમાં ગુંથાઈ ગયું છે એનો દાખલો ખેતીસુધારણાના પૂર્વ કાળથી જાણીતા થયેલા ઇલાજોની ઉક્તિમાં આપણને જડી આવશે : ખેડ, ખાતર અને પાણી : એ ખેતીનાં સાધનો. અને આજ પણ એ ત્રણ મુખ્ય સાધનો ખેતીસુધારણાને અંગે સહુએ વિચારવાનાં રહે છે.

ખેડૂતો અને ભણેલા-
ઓનો સહકાર

જમીનની જાત, ખાતરના પ્રયોગ, પાકની વિવિધતા એ બધી વિગતમાં અત્રે ઉતરવાનું પ્રયોજન નથી જ. એ સંબંધમાં સંરક્ષક પણ પ્રયોગશીલ ખેડૂતો, અને અનુભવહીન ભૂમિવિમુખ ભણેલાઓ વચ્ચે સર્વદા મતભેદ રહે છે. ખેતીવાડી કૉલેજમાં ભણી આવેલો ગ્રૅજ્યુએટ અગર યુરોપીય ઉપરીઓના હુકમોનો અમલ કરતો અમલદાર ખેડૂતને જ્યારે ખેતીસુધારવાનો બોધ કરે છે, અને તેના સ્વાનુભવરહિત ઇલાજો બતાવે છે ત્યારે ખેડૂતને હસવું જ આવે છે. તેમ થાય એમાં નવાઇ નથી. બી. ટી. ડુ. કે કિર્લોસ્કરનાં હળ ખરેખર ખેડને સુધારશે કે કેમ ? ટ્રેક્ટરના ખેડાણથી બચતી મહેનત પાકના વધારામાં ઊગી નીકળશે કે નહિ ? પુસા ઘઉંના વાવેતરથી ગેરુ બધે જ ઘટી જશે ? અગર અમુક ખાતર નાખવાથી દોઢો પાક થશે કે નહિ ? એ બધા પ્રશ્નો ખેડખાતરને લગતા હોઇ ધીમે ધીમે ખેતી કરતી પ્રજામાં વિચારાતા જાય છે. ઑસ્ટ્રેલિયા, અમેરિકા અને રશિયામાં મબલખ અનાજ શાસ્ત્રીય ઢબની ખેતીથી ઊપજે અને હિંદુસ્તાનમાં શાસ્ત્રીય ઢબના પ્રયત્નો નિષ્ફળ નીવડે એમાં જેટલા ખેડૂતના સંરક્ષકપણાનો દોષ છે એટલો જ–કદાચ એથી પણ વધારે દોષ શાસ્ત્રીય ઢબની ખેતીનો માત્ર બોધ કરી મોટાઈ લેનારા નોકરિયાત ભણેલાઓનો છે.