પૃષ્ઠ:Gramonnati.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪ : ગ્રા મો ન્ન તિ
 



યાંત્રિક શોધનો
ઉપયોગ

એટલું તો ચોક્કસ કે આપણી ખેડ કરવાની જૂની પદ્ધતિમાં અનેક સુધારાનો અવકાશ છે; વરાળ, વીજળી કે બીજી યાંત્રિક શોધખોળનો દેશ કાળને અનુરૂપ લાભ લીધા વગર આપણે કૃષિમાં પછાત પડતા જઈએ છીએ. ખાતર વિષે પણ આપણા વિજ્ઞાનવિદોએ હજી ઘણું કરવાનું છે. ગુજરાતમાં કાચું સોનું પાકે છે એ જૂની વદંતાને ખરી કરી બતાવવાની છે. કચરો, હાડકાં અને તદ્દન નાખી દેવા જેવી ચીજોમાંથી ઉત્તમ ખાતર તૈયાર થાય છે. એ ખાતર બનાવવામાં, રાખવામાં અને વાપરવામાં ઘણી આવડત અને કુનેહ જરૂરનાં છે. નિરર્થક ગણાતી વસ્તુઓ આપણા પાકનું જીવન બની જાય છે એ જેટલું વહેલું સમજાય તેટલું સારું.

વરસાદ

પાણી એ ખેતી સુધારણાનું ત્રીજું અતિ મહત્ત્વનું અંગ છે. કુદરતી પાણીનું સાધન વરસાદમાંથી મળી રહે છે, પરંતુ તેનું અનિશ્ચિતપણું એટલું બધું છે કે એ વરસાદ સાથે બીજાં સાધનોની પણ ખરી જરૂર ઉપસ્થિત થાય છે. માત્ર વરસાદ ઉપર આધાર રાખી બેસનારની ખેતી ભાગ્યે સફળ થાય છે. એવી કુદરત ઉપર આધાર રાખનારી વૃત્તિને આપણી અર્થસૂચક ભાષામાં ‘આકાશ વૃત્તિ’ કહીએ છીએ એ વાસ્તવિક છે. ખેતીમાં ‘આકાશ વૃત્તિ’ સફળ થાય નહિ.

પાણીનાં સાધનો

એટલે પાણીનાં સાધનોની વિપુલતા એ ખેતીનું અતિ મહત્ત્વનું અંગ થઈ પડે છે. સામાન્યતઃ (૧) કૂવા (૨) તળાવ અને (૩) નહેર અને (૪) નદી એ વરસાદ ઉપરાંતનાં આપણાં પાણીનાં :–ખેતીનાં સાધનો ગણાય.