પૃષ્ઠ:Gramonnati.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખેતી સુધારણા : ૨૫
 


કૂવા

સામાન્યતઃ ગુજરાતમાં કૂવાનું પ્રમાણ ધીમે ધીમે ઠીક વધતું જાય છે. સરકાર તરફથી મળતી તગાવી, ખેડૂતોની સારી સમજ, વચમાં વચમાં આવી જતાં ખેડૂતોને લાભકારી વરસ એ બધું મળી કૂવાની સંખ્યામાં વધારો થતો દેખાય છે.

તળાવોની દુરસ્તી

સાથે સાથે એ ભૂલવું ન જોઈએ કે આપણાં તળાવો મોટે ભાગે પૂરાતાં જાય છે. હિમાયત–ખેતી ઉપયોગી તળાવો તેમ જ ગામાત–ગામની વસ્તીને ઉપયોગી તળાવો ધીમે ધીમે છીછરાં બની રહ્યાં છે, અને જો ગુજરાતની જનતા વખતસર જાગશે નહિ તો આવતી પચીસી પછી તળાવો મોટે ભાગે દંતકથા રૂપ બની જશે એવો ભય રહે છે. નિરર્થક વહી જતા વરસાદના પાણીને ભરી રાખી આખા વર્ષ સુધી પાણીનો દુષ્કાળ ફિટાડવાનું એક મહત્ત્વનું સાધન તળાવો છે. તળાવો એ માત્ર ગામ કે સીમની શોભારૂપ નથી; તે અતિ મહત્ત્વનાં કૃષિસાધનો છે, જેમને સરકારે તેમ જ લોકોએ વિસારી મૂક્યાં છે. તળાવો દ્વારા પાણીનો સંચય થાય છે એટલું જ નહિ પણ તળાવની આસપાસની જમીનઅંદરનાં પાણી ઊંચાં આવી જમીનને કસવાળી - ભીનાશવાળી રાખે છે.

નદીઓના પાણીનો
ઉપયોગ

અને ગુજરાતમાં નહેરો તો છે જ નહિ. નર્મદા, તાપી, મહી અને સાબરમતી સરખી જબરજસ્ત પાણી વહી લાવતી નદીઓને આપણે નિરર્થક દરિયામાં ખાલી થવા દઈએ છીએ. ચોમાસાનું પૂર આસપાસની જમીનમાં કોતરો પાડી જમીનને નિરુપયોગી બનાવી દે છે એ આપણે જોઈએ છીએ.