પૃષ્ઠ:Gramonnati.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬ : ગ્રા મો ન્ન તિ
 


પરંતુ એ જમીનો તોડતું પાણી સ્થળે સ્થળે પાળ બંધારામાં બંધાઈ બારે માસ જમીનને લીલી રાખવાનું સામર્થ્ય ધરાવે છે એ ગુજરાત ક્યારે સમજશે ?

નહેરો

ગંગાની નહેરોએ આખા ગંગાના પ્રદેશને ફળદ્રુપ બનાવી દીધો છે. જુલમી અને અજ્ઞાન કે ધર્માન્ધ તરીકે ચિતરાતા મુસ્લીમ બાદશાહોએ નહેરોનું મહત્ત્વ વિચારી નહેરો ખોદાવી ખેડૂતોને સુખ કરી આપ્યું હતું. સિંધ અને પંજાબમાં નહેરોદ્વારા જમીનની ભારે આબાદી સાધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે—જો કે સક્કર બરાજ જેવી ખર્ચાળ યોજનાઓનો ખાડો એ રીતે પૂરાશે કે કેમ એનો ભય રહે છે. ગુજરાતમાં નહેરની બહુ જરૂર નથી એમ પણ કદાચ દલીલ થાય. નદીઓનાં ઉંડાણ બંધારા અને નહેરોને ખર્ચાળ બનાવી મૂકે છે એમ પણ કહેવાય છે. ગુજરાતના કમનસીબ રાજકીય ટુકડા મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે એ પણ ખરું હશે. છતાં એ પ્રશ્નો ઊભા થાય છે એ જ બતાવી આપે છે કે એનો ઉકેલ અત્યંત જરૂરી છે. તેની ચર્ચામાં અત્રે ન ઊતરતાં એટલું જ કહેવું બસ થશે કે ગુજરાતની મહા નદીઓનાં પાણી નિરર્થક વહી જાય છે. ખેતી, વ્યાપાર કે વીજળી માટે તેમનો ઉપયોગ કરવાનું સ્વપ્ન ખરું પાડનાર કોઈ વિશ્વેશ્વરૈયા ગુજરાતમાં શું નહિ જન્મે ?

ક્ષેત્રોના ટુકડા

ખેતીસુધારણામાં હજી બીજા અનેક પ્રશ્નો વિચારવાના રહે છે. આપણા ક્ષેત્રોના ટુકડા એટલા બધા પડી ગયા છે કે નાની નાની માલિકીની જમીનોમાંથી શ્રમના પ્રમાણમાં ઉત્પન્ન આવી શકતું નથી. હિંદુ વારસાઈના નિયમો તેમ જ આપણી સામાજિક અને આર્થિક સ્થિતિ આ નિરુત્પાદક ટુકડાઓના કારણરૂપ છે.