પૃષ્ઠ:Gramonnati.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખેતી સુધારણા : ૨૯
 


પ્રચાર દ્વારા ગામડે ગામડે ખેડૂતો પાસે મૂકવાની યોજનાઓ રચાય છે.

એ પ્રવૃત્તિ પાંગળી ન રહેતી હોય તો ઘણું લોકોપયોગી કામ થઈ શકે.

નવીન કૃષિ વસવાટ

સિંધ, પંજાબ વગેરે પ્રાન્તોની નહેરોના પ્રદેશમાં નવીન કૃષિ વસવાટો પણ થાય છે, અને પરપ્રાન્તીય સાહસિક ખેડૂતોને અને કૈંક અંશે બેકાર ભણેલાઓને તેમાંથી જમીન આપવાની પ્રથા પણ શરૂ થઈ ગઈ છે.

ગણોત અને સાંથ

ખેતીની સાથે જમીનદાર, ખાતેદાર, ખેડૂત, અને મજૂર-કિસાનના હક્ક સંબંધી પ્રશ્નો પણ આગળ આવી રહ્યા છે. વિશાળ જમીન ક્ષેત્રો હાથ કરી તલપૂર શ્રમ વગર ખેડૂત અને મજૂરની મહેનત ઉપર મૉજ કરતો જમીનદાર એ કૃષિજીવનનું પક્ષાઘાતી અંગ બનતો જાય છે. ખાતેદાર કાં તો જમીનને ભાડે આપી જમીનદારનો સ્વાંગ લે છે અગર મજૂરો પાસે કામ કરાવી જાતે કામ કર્યાનું મિથ્યાભિમાન સેવી એક નિષ્ફળ દેખરેખ રાખનાર બની જાય છે. એ બન્ને વર્ગને જમીનનો નહીં, પણ જમીનના શ્રમરહિત ઉત્પન્નનો મોહ છે. ભૂમિ એ તેમની સગી નહિ પણ ઓરમાન મા બની ગઈ છે. જમીનને કેળવનાર ખેડૂત અને મજૂરની પાસેથી વધારેમાં વધારે લાભ ખેંચી લેવાની આકાંક્ષાવાળા આ વર્ગ ખેતીની અવનતિના એક મહત્ત્વના કારણરૂપ છે.

ધીરધાર કરનાર શાહુકાર કેટલીક વખત મૂડીના બળે ખેડૂત ખાતેદારોની જમીનનો માલિક બની જમીનદાર વર્ગમાં ઘૂસી જઈ જમીનદાર જેવો હાનિકારક ભાગ ખેતીને અંગે ભજવી રહ્યો છે.