પૃષ્ઠ:Gramonnati.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦ : ગ્રા મો ન્ન તિ
 


જેણે જમીન જોઈ નથી, જેને જમીન જોવી નથી, જમીન ઉપર જેને પ્રત્યક્ષ પ્રેમ નથી, ખેતીની જેનામાં આવડત નથી, ખેતીમાં જેને રસ નથી, ખેતી સુધારણાનો વિચાર કરવાની જેને ઈંતેજારી નથી, એવા જમીનદાર, ખાતેદાર, અને શાહુકારોના હાથમાં જમીનની માલિકી આવી જતાં પ્રત્યક્ષ ખેતી કરનાર ખેડૂત અને મજૂર ચુસાઈ જઇ જમીન અને જમીનના પાકો પ્રત્યે સ્વાભાવિક રીતે જ ઉદાસીન રહે છે. સઘળાં કાર્યમાં ઉત્સાહની જરૂર છે. ખેતીમાં તો ઉત્સાહ અવશ્ય અને વિશેષ જોઈએ. જમીન ભાડે રાખનાર ગણોતિયા અને મજૂરોની મહેનત–જમીનને કૃષિને જીવતી રાખતી હોય તો જમીનદાર, શાહુકાર અને ખાતેદારે કોઈ પણ કારણે જમીનની માલિકી મેળવી લીધી એટલા જ બહાના નીચે જમીનભાડાની ગણોતની–સાંથની રકમને બોજા રૂ૫ બનાવવાની પૂર્ણ સત્તા ધરાવે એ ઈચ્છવા યોગ્ય તો નથી જ. સ્વાર્થની દૃષ્ટિએ જોઈએ તો ઉત્સાહરહિત ખેડૂત ખેતીને બગાડશે જ; સુધારશે નહીં. તેની મહેનતનો મોટો ભાગ જમીનદાર કે ખાતેદાર લઈ જાય તો તેને મહેનત કરવાનો, બુદ્ધિ વાપરવાનો, પ્રયોગ કરવાનો ઉત્સાહ પણ શાનો રહે ?

એટલે જમીનભાડાં ઉપર અંકુશ મૂકવાના કાયદાઓ પણ ઘડવાની જરૂર પડી છે, અને લગભગ દરેક પ્રાન્ત કે મોટા રાજ્યમાં આવા કાયદાઓ અમલમાં આવી ચૂક્યા છે, અગર અમલમાં મૂકાવાની તૈયારીમાં છે.

દેવાનું ભારણ

વળી ખેડૂતનાં જૂનાં દેવાનો પ્રશ્ન પણ વિકટ બની ગયો છે. ખેડૂતનું કુલ દેવું કરોડો અને અબજો રૂપીઆ જેટલું ગણાય છે. એ દેવું ખેડૂતને શાહુકારનો આજન્મ નહિ–પેઢી દર પેઢી ગુલામ બનાવી