પૃષ્ઠ:Gramonnati.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.







પશુ – સુધારણા

પશુ અને કૃષિ

ગામડાંની આર્થિક ઉન્નતિનો અતિ મહત્ત્વનો વિભાગ ખેતી–સુધારણાનો છે. તેમાં જમીનસુધારણાના મૂલભૂત અંગનું લંબાણથી વિવેચન થઈ ગયું છે. ખેતીમાં જેમ જમીન એ અતિ મહત્ત્વનું અંગ છે, તેમ ઢોર પણ એવું જ ઉપયોગી અંગ છે. હજી વીજળી અને વરાળનો ઉપયોગ કરી ખેતીમાં જનાવરોને નિરુપયોગી બનાવવા જેવી કક્ષાએ જગત પહોંચ્યું નથી. હિંદ તો નહિ જ, અને હજી લાંબા વખત સુધી ઢોર વગર ચલાવી શકાશે નહિ એમ લાગે છે. ઢોર વગર ખેતી અશક્ય બની જાય એમ છે.

પશુ અને માનવ
સંસ્કૃતિ

માનવજીવનમાં – માનવસંસ્કૃતિમાં જનાવરોએ અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. હિંદુસ્તાન આટલી ઝડપથી મુસલમાનોએ જીતી લીધું તેનાં કેટલાંક કારણોમાં ઇતિહાસકાર એ પણ કારણ જણાવે છે કે હિંદુઓની પાસે મધ્ય એશિયાના જેવા તેજસ્વી ઘોડાઓ નહોતા. હિંદુઓનાં લશ્કરમાં ઘોડાઓ ઊતરતી પંક્તિના હતા તેથી તેમણે સ્વાતંત્ર્ય ખોયું. આમ સ્વાતંત્ર્યનો અને અશ્વને નિકટ સંબંધ દર્શાવવામાં પશુઓના, માનવ જીવનમાં રહેલા મહત્ત્વના સ્થાનનો વિચાર રહેલો દેખાઈ આવશે.