પૃષ્ઠ:Gramonnati.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪ : ગ્રા મો ન્ન તિ
 


ગોપ ભૂમિકા

માનવસમૂહના વિકાસમાં એક એવી ભૂમિકા આવે છે કે જેમાં માનવી ટોળાંબંધ પાળેલાં જનાવરોને લેઇને ફરતો હોય છે. વિકાસની આ ભૂમિકા ગોપ–ભૂમિકા – Pastoral Age તરીકે ઓળખાય છે.

ગાચ અને હિંદુ
સંસ્કૃતિ

કૃષિપ્રધાન આર્ય સંસ્કૃતિમાં ગાય એ પવિત્રમાં પવિત્ર સંકેત છે. હિંદુ–સંસ્કૃતિ ગાયને અનુલક્ષીને રચાઇ છે એમ કહીએ તો તે છેક ખાટું નથી. ગાય એ હિંદુને મન માતા છે. પૃથ્વી પણ ગાયનું જ સ્વરૂપ ધારણ કરતી કલ્પાય છે. મનકામના પૂર્ણ કરનાર સ્વર્ગીય સાધનોમાં કામધેનુને ગણાવી છે. રાજાઓનું બિરદ ગૌબ્રાહ્મણ પ્રતિપાળનું ગણાય છે. ગાયના સોગન એ આકરામાં આકરા સોગન છે. ગાયના દેહમાં સર્વ દેવાનો નિવાસ ગણાયો છે. ગૌદાન એ પરમ ધાર્મિક દાન મનાયું છે. ગૌવધ એ મહાપાપ ગણાય છે, અને હિંદમાં આવેલા ઘણા મુસલમાનોએ તથા પારસીઓએ પણ ગૌવધ નિષિદ્ધ ગણ્યો છે. આમ પૃથ્વી–કૃષિ અને પશુસંપત્તિના સંકેત સરખી ગાયનું આવું ઉચ્ચ સ્થાન દરેક રીતે સૂચક છે. માનવસંસ્કૃતિમાં જનાવરના હિસ્સાનું માપ તેમાં દેખાય છે. ગાય, ભેંશ અને બળદ એ કૃષિકારનાં નિત્યસાથી. એમના વગર ખેતી શક્ય નથી. પશુ વગરનો ખેડૂત હોઈ શકે જ નહિ.

પશુના વર્ગ

જેમ જમીન એ ખેતીનું મુખ્ય સાધન, તેમ જમીનને ફળદ્રુપ બનાવવાની મહેનત કરનાર જનાવર એ ખેતીનું બીજું મુખ્ય સાધન. પશુને પણ આપણે બે વિભાગમાં વહેંચી શકીએ: (૧) કૃષિ ઉપયોગમાં આવતાં અને (૨) અન્ય ઉપયોગમાં આવતાં.