પૃષ્ઠ:Gramonnati.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬ : ગ્રા મો ન્ન તિ
 


ઉગવા દેવામાં આવે છે, અને જનાવર સામાન્યતઃ, અગર કામ ન લાગ્યું હોય ત્યારે તો ખાસ કરીને, એ છંડાયેલાં ગૌચરનાં તણખલાં ઉપર જ જીવે છે. એ ગૌચરમાં વધારે સારી જાતનું ઘાસ પૂરતા પ્રમાણમાં થાય છે કે નહિ એ નથી ખેડૂતોની કાળજીનો વિષય, નથી પંચ પટેલોની કાળજીનો વિષય, કે નથી સરકારી અમલદારોની કાળજીનો વિષય. બહુ જ થોડા ખેડૂતો જનાવરો માટે પોતાનાં ક્ષેત્રોમાં પૂરતું ઘાસ ઉપજાવતા હોય છે.

પશુરોગને અટકાવવા માટે આપણે જરાય કાળજી રાખતા નથી. કમોડી, ખરવાસ, ગળસુણાં, ઓરી, મોવાસો વગેરે દર્દોથી લાખો ઢોર નાશ પામે છે. ઘણાં દર્દો ચેપી હોય છે. એટલે એક જાનવરને દર્દ થયું કે સેંકડોને અસર થવાની. પાંજરાપોળ દર્દોને અટકાવનારી સંસ્થા નથી. નિરુપયોગી બનેલાં જનાવરોને આશ્રય આપતી એ સંસ્થાઓનો પૈસો દર્દી અટકાવવાના કામે અગર ઉપયોગી જનાવરોને બચાવવાના કામે વપરાય તો ઢોરના રોગ સંબંધી કૈંક પ્રશ્નોનો ઉકેલ કરી શકાય. જનાવર જીવતાં આપણને પોષણ આપે છે, અને મૃત્યુ પછી ચામડાં અને હાડકાંને પણ માનવીની સેવામાં મૂકે છે. એ જનાવરોને જીવતાં પૂરતું પોષણ આપવું, દર્દ થયે તેમની દવા કરવી અને તેમની જાત સુદૃઢ, સબળ અને રૂપાળી બને એવા સુપ્રજન પ્રયોગો કરવા એ શું ખરો દયાધર્મ નથી ? દયાધર્મ સાથે એ ખેડૂતોનો તો મોટામાં મોટો સ્વાર્થ છે. ખેડૂતોનો સ્વાર્થ એ સૌનો સ્વાર્થ છે.

કાંકરેજી બળદ, ગીરની ભેંસ, કાઠિયાવાડી ઘોડા એ આખા હિંદભર પંકાયલા જનાવરોની જાત ગૂજરાતે ખીલવી છે. એ જાત શુદ્ધ રહે, જીવતી રહે, વધારે બળવાન થાય એ માટે પશુઉછેરના કાર્યમાં પણ ગ્રામજનતાનું પૂરતું લક્ષ રહેવું જોઇએ.