પૃષ્ઠ:Gramonnati.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨ : ગ્રા મો ન્ન તિ
 


રાખવાં જોઈએ. સરકાર અને પંચાયતો આ સંબંધમાં ઘણું કરી શકે.

ઢોરની જાત સુધારવા માટે સુવંશી ઢોરની કાળજી રાખવી જોઈએ અને સુપ્રજન પ્રયોગો ઉપર વધારે લક્ષ આપવું જોઈએ.

રબારીઓ પ્રત્યે વધારે સહાનુભૂતિભર્યું વર્તન રાખી તેમની સગવડો પૂરી પાડવી જોઈએ.

ગોપાલન અને અન્ય ગૃહઉદ્યોગોનો પદ્ધતિસર વિકાસ થવો જોઈએ. દૂધ, ઘી, ઉન કે વાળ ગમે તેમ ઉપજે, ગમે તેમ કપાય, ગમે તેમ વેચાય એ વાસ્તવિક નથી. અવ્યવસ્થિત ધંધો નિષ્ફળતા જ આપે છે.

એક ટૂંકો જ વિચાર કરીએ :—હિંદુસ્તાનનું પશુધન એટલે સમગ્ર જગતના પશુધનનો ત્રીજો ભાગ. હિંદુસ્તાનની પશુસંપત્તિ ૧૮,૦૦૦,૦૦૦૦ જેટલી. એ અરાઢે કરોડ પશુ આપણી ખેતી કરે છે, આપણો ભાર વહન કરે છે, અને આપણી અવરજવરમાં સરળતા કરી આપે છે. ઉપયોગની દૃષ્ટિએ અત્યંત મહત્વનું પશુધન આપણે સાચવી રાખવું જોઈએ અને તેને વધારે બળવાન, વધારે ઉપયોગી, અને વધારે પાત્રતાવાળું બનાવવું જોઇએ.

કૃષિ ઉપરાંત ગોપાલનની દૃષ્ટિએ પણ આપણાં જનાવરો, આપણાં પશુ કેટલાં ઉપયોગી છે, તે સમજવા સરખું છે. દૂધનું ઉત્પન્ન વધારેમાં વધારે અમેરિકાનાં સંયુક્ત સંસ્થાનોમાં થાય છે. એનાથી બીજા જ ક્રમે હિંદુસ્તાનની દૂધની પેદાશ આવે છે. ડેન્માર્કમાં દુધ અને દૂધમાંથી બનતા પદાર્થોનો ધંધો બહુ જ આગળ વધેલો છે, અને બહુ જ શાસ્ત્રીય ઢબે રચાએલો છે. એ ડેન્માર્ક કરતાં