પૃષ્ઠ:Gramonnati.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ર સ્તા : ૪૭
 


વસ્તુઓની અવરજવર અને હીલચાલ કરી શકાય. અને તે વગર સંસ્કાર, વ્યાપાર અને રાજકીય વિકાસ અશક્ય થઈ પડે છે. પૂર્વકાળમાં પણ પહાડો અને ખીણો ઓળંગીને આપણા રસ્તા આપણને હિંદ બહાર જવરઅવરનું સાધન આપી શકતા હતા. આપણી વણજારો અને પોઠો હિમાલય, હિંદુકુશ અને કારાકોરમ ઓળંગી મધ્ય એશિયા, પશ્ચિમ એશિયા અને ઠેઠ રોમ, ગ્રીસ સુધી પહોંચતી, આપણા વ્યાપારીઓ ખુશ્કી તેમ જ તરી રસ્તે સિયામ, બ્રહ્મદેશ, ચીન, મોંગોલીઆ અને મંચુરીઆ સુધી પહોંચી જતા અને તે તે દેશો સાથે સંબંધ બાંધી બુદ્ધ ધર્મ જેવા સંસ્કૃતિપ્રવાહને એ સઘળાં સ્થળોએ વહેવરાવવામાં સાધનભૂત બન્યા હતા એ ઇતિહાસસિદ્ધ વાત છે. એ જ રસ્તાઓને પ્રતાપે હિંદુઓએ હિંદ બહાર રાજ્યો પણ સ્થાપ્યાં.

સુધરેલાં રાજ્યોનો મુખ્ય ધર્મ એ ગણાય છે કે તેમણે અવરજવરના ધોરી માર્ગ તૈયાર કરવા અને તૈયાર રાખવા. અશોક, શેરશાહ, અકબર વગેરે મહાન રાજકર્તાઓની રાજનીતિમાં રસ્તાનું બાંધામ મહત્વની બાબત ગણાઈ હતી.

જાત્રાનાં સ્થળો એ આપણાં જૂનાં સંસ્કાર સ્થળો હતાં. તેમના જોડાણને માટે પણ રસ્તાઓ જરૂરી ગણાતા.

અવરજવરનાં સાધનો
અને રસ્તા

વળી જવરઅવરનાં સાધનો ઉપર આધાર રાખીને પણ રસ્તાઓની રચના કરી શકાય છે. બળદગાડાં, ઘોડા, ઊંટ, ખચ્ચર, હાથી એ બધાં આપણાં વાહનોને અનુલક્ષીને પણ જુદા જુદા રસ્તાઓની રચના થએલી છે. વરાળ, વીજળી અને યંત્ર આવતાં વાહનોનું સ્વરૂપ બદલાઈ ગયું અને બાઈસીકલ, રેલગાડી, મોટરકાર વગેરે વાહનોનો હવે છૂટથી ઉપયોગ થવા લાગે છે. એ બદલાયેલી પરિસ્થિતિ રસ્તાને પણ એક વિશાળ વિજ્ઞાનનું સ્વરૂપ આપી રહ્યાં છે.