પૃષ્ઠ:Gramonnati.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨ : ગ્રા મો ન્ન તિ
 


અવરજવર કરવી એ ગ્રામરસ્તાનું મુખ્ય કામ. બજારો સાથે એ રસ્તાઓ જોડાય, અને તાલુકા સાથે એ રસ્તાઓ મળે એવી રીતે સહાયકારી રસ્તાઓ પણ થવા જોઈએ. ગામડાને હવે શહેરોથી બહુ દૂર રાખી શકાય એમ નથી.

આ રસ્તાઓ કોણ કરે ? રાજમાર્ગ કે સહાયકારી માર્ગ માટે આપણે નિષ્ણાતો જોઇએ, અને ખર્ચાળ યોજનાઓની પણ જરૂર પડે. સરકાર કે પ્રાંતપંચાયતો તે ઉપાડી લે.

ગ્રામરસ્તાઓમાં અંગ મહેનત માત્ર ગ્રામજનતા આપી શકે. ગ્રામજનતા પોતાના રસ્તા દુરસ્ત પણ રાખી શકે. સરકારને આધારે બેસી ન રહેતાં ગ્રામલોકો ગામના અને સીમના રસ્તા માત્ર અંગ મહેનતથી જ બનાવી લેવા માંડે તો ગ્રામજનતાનું આત્મભાન કેટલું જાગ્રત થાય ?

અલબત્ત, નાથ બાંધવી, પાણીના પ્રવાહો વાળવા, નાના પૂલ કે કાંસ બાંધવા એ બધાં કાર્યો ગ્રામરસ્તા પણ માગી લે છે અને તે માટે સરકાર તરફથી જ પ્રબંધ થાય એ જરૂરી છે, કારણ અંગ સિવાય બીજી કયી મૂડી ગ્રામજનતા પાસે રહેલી છે ? છતાં ગ્રામોન્નતિ ઈચ્છતી ગ્રામજનતા સરકારને આધારે બેસી તો ન જ રહે. લાકડાના નાના પૂલ અને તરાપા તથા દોરડાંના રસ્તાદ્વારા નદીઓ અને ખીણો કૂદી જવાની યોજના કરનાર હિંદવાસી સરકારની સહાય વગર નિરાધાર તો ન જ બનવો જોઈએ.

રસ્તા બદલનો સમસ્ત વિચાર નીચે પ્રમાણે ગોઠવી શકાય:—