પૃષ્ઠ:Gramonnati.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બ જા ર : ૫૯
 


અપમાન, તેની આખો દિવસ થતી હલાકી અને તેનો માલ પાછો વાળવાની ધમકી એ બધું તો બાજુએ મૂકીએ !

વેચાણમાં નિયંત્રણ

આવા સંજોગોમાં ખેડૂત અને વ્યાપારીઓ વચ્ચે થતા વ્યવહારને નિયંત્રિત અને નિયમિત કરવાની ખાસ જરૂર ઊભી થએલી છે. જેને માલ પકવવો નથી અને જેને માલના ખરા વેચાણમાં કંઈ પણ લાગતું વળગતું નથી એવા માત્ર નફો ખાઈ જનારા, મધ્યસ્થ માણસો – દલાલોની જરૂર જેમ બને તેમ ઘટવી જોઈએ. માલ ખેડૂત જ સીધો વેચી શકે એવી વ્યવસ્થા બનવી જોઇએ. વેચાણ કરવાના સ્થળો પણ ખેડૂતને સગવડ પડતાં સ્થળે ગોઠવવાં જોઈએ. એ સ્થળોએ ખેડૂતને પોતાનાં ગાડાં છોડવાની, માલ મૂકવાની, દિવસભર રહેવાની, ગોઠવણ પણ થવી જોઇએ. ગમે તેમ વપરાતા વજન માપ ઉપર પૂરેપૂરો અંકુશ મુકાવો જોઈએ. અને વેચાણના વ્યવહારમાં લાગવગ, દેવાલેણાની ધમકી તથા લાલચ અદૃશ્ય થાય એવું નિયમન થવું જોઇએ. વળી ભાવ ઠરાવવામાં ખેડૂતોના અજ્ઞાનનો લાભ ન લેવાય એમ ભાવની પણ જાહેરાત થવી જોઈએ; અને ખરીદનાર તથા વેચનાર વચ્ચે માલની જાત તથા કિંમત સંબંધી મતભેદ ઝઘડાનું સ્વરૂપ ન લઈ લે, તેમ જ કોઈને પણ શહેજોરી કરવાની તક ન મળે એ અર્થે સમજદાર ખેડૂતો તથા વ્યાપારીઓની નાની સરખી સમિતિ પણ આ બધી બાબતનું નિયંત્રણ કરવા માટે સ્થાપન થવી જોઈએ. આમ હોય તો જ બજાર, હાટ, પીઠ કે ગુજરીની વ્યવસ્થા ખેડૂતોના લાભાર્થે ઉપયોગમાં લાવી શકાય. નહિ તો આ બધાં બજારો માત્ર મેળાનું સ્વરૂપ ધારણ કરી, આપણી ગ્રામરચનાનાં આર્થિક વિભાગને ડામાડૉળ સ્થિતિમાં રાખી ખેડૂતોને ખેતી પ્રત્યે અભાવ જ ઉત્પન્ન કર્યા કરશે.