પૃષ્ઠ:Gramonnati.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦ : ગ્રા મો ન્ન તિ
 


ચાલુ બજારોનો
વિકાસ

આપણે ત્યાં દાણાપીઠો હોય છે, હાટ હોય છે, તેમ જ ઘીનાં બજાર પણ હોય છે. ઘોડા કે બળદનાં વેચાણ માટેનાં પણ બજારો અલગ ભરાય છે, અગર સામાન્ય બજારો અને હાટોમાં આ જનાવરોનાં વેચાણ કરવામાં આવે છે. જૂની ઢબે ચાલતાં આ બધાં જ બજારોની વ્યવસ્થિત રચના કરવાનો સમય હવે આવી પહોંચ્યો છે. ખેડૂત સહેલાઈથી જઈ શકે, ખેડૂત સહેસાઇથી રહી શકે, ખેડૂતને ભાવ અને તોલના દગા ફટકામાંથી રક્ષણ મળે, તેમ જ તેને પોતાનો વ્યાપાર કરવામાં કાયદેસર અને નિઃસ્વાર્થ સલાહ મળે એવી રીતનાં બજારોની વ્યવસ્થા કરવાની જરૂરિયાત સઘળી સરકારોએ સ્વીકારેલી તો છે જ, પરંતુ તેનો જોઈએ તેવો અમલ હજી સુધી થયો નથી. આવી વ્યવસ્થા નહિ થાય ત્યાં સુધી ખેડૂતની સ્થિતિ ખરેખર અસંતોષકારક જ રહેશે. ખેડૂતો અજ્ઞાન છે, પોતાનો લાભ શામાં રહેલો છે, તે પૂરેપૂરું સમજી શકે તેવી સ્થિતિમાં પણ નથી અને તેમની આર્થિક સ્થિતિ એવી કઢંગી છે કે તેઓ પોતાને મળતા તાત્કાલિક પૈસાને માટે સહજ પ્રયત્નથી આગળ ઉપર મળવાના ભારે લાભને જતા પણ કરે. એટલે માત્ર સરકારે જ નહિ પરંતુ ગ્રામોન્નતિનો પ્રયત્ન કરનાર પ્રજાસેવકોએ તેમજ સેવકસંસ્થાઓએ ખેડૂતોની વેચાણ વ્યવસ્થા નિયમિત પદ્ધતિ ઉપર લાવી, વ્યવસ્થિત અને નિયમબદ્ધ બજારના સ્વરૂપમાં વિકાસ પામે એમ કરવાની બહુ જ જરૂર છે. ગ્રામસેવકોનો એકાદ જથ્થો આ કાર્યમાં પણ રોકાય તો તે બહુ ઉપયોગી સેવા બજાવશે, કારણ પાકનું ઉત્પન્ન થતા પહેલાં લૂંટાતા ખેડૂતનો દલાલીમાં, વધારે તોલમાં, અનિશ્ચિત ભાવમાં, ધાકધમકીમાં, તેમજ ધર્માદાને બહાને ખૂંચવાતો માલ તેનો જ રહેશે અને તેમાંથી તેને માલની કિંમત મળશે જે હાલ તેને મળતી નથી. ખેડૂતના લૂંટાતા રૂપિયામાંથી એક આનો પણ