પૃષ્ઠ:Gramonnati.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮ : ગ્રા મો ન્ન તિ
 


તથા મહેનત કરવાની શક્તિ. દાનત અને શક્તિ એ બન્ને તત્ત્વો ચલ છે. આજનો સાચો માણસ આવતી કાલે સ્થિતિ પલટાતાં જુઠો પણ બની જાય. આજે પહાડ જેવો દેખાતો ખેડૂત આવતી કાલ ટાઢિયા તાવમાં પોતાની બધી શક્તિ ખોઈને પણ બેસે. એટલે જો કે શાહુકાર એ બન્ને તત્ત્વો ધ્યાનમાં તો લે છે જ, તથાપિ ધીરાણ કરતી વખતે તેની નજર ખેડૂતની જમીન અને ખેડૂતની સ્થાવર જંગમ મિલકત ઉપર જ રહે છે. અંગઉધાર ધીરાણની મર્યાદા બહુ ઝડપથી ખેડૂત ઉલ્લંઘી જાય છે. એટલે તેને પોતાની મિલકત ગીરવી મૂકીને નાણાં લેવાની જરૂર પડે છે. શાહુકાર તો ખુલ્લી રીતે ધીરધારનો ધંધો નફો મેળવવા માટે જ કરે છે. શાહુકારને ગ્રામોદ્ધાર કરવો નથી. શાહુકાર ખેડૂતોની જિંદગી સુધારવાના ધ્યેયથી વ્યાપાર કરવો નથી. એણે ધીરધારના ધંધાનો સ્વીકાર દયાધર્મની ભાવનાથી પ્રેરાઈને કરેલો નથી. સહુ ધંધાદારીઓની માફક શાહુકાર પણ નફો મેળવી પોતાની સ્થિતિ સુધારવાના સ્પષ્ટ ઉદ્દેશથી જ ધંધામાં પડે છે; એટલે તે સ્વાભાવિક રીતે ખેડૂતોની નબળાઇનો લાભ લઈ શકે છે. ધીરાણમાંથી તે વ્યાજ મેળવે છે – ઘણી વાર તે વ્યાજનું વ્યાજ પણ મેળવે છે, ખેડૂતના પાકનું વેચાણ કરાવી આપી તેમાંથી દલાલી મેળવે છે, અગર આખા પાક વેચાતો લઈ તેના નવા ધંધામાંથી પણ ખેડૂતને ન મળતો નફો તે મેળવી શકે છે. અજ્ઞાન, આળસ, નિરાશા અને સતત મહેનતમાં ડૂબેલો ખેડૂત જમીન ઉપર મહેનત કરતો જ રહે છે, અને તેની સ્થિતિ જરા ય સુધરતી નથી. ખેડૂતની મિલકતમાં ભાગલા પડી જાય છે, અને જમીન કે મિલકત પાછી છોડાવવાની આશામાં ગીરોનો વ્યવહાર કરનાર ખેડૂત મુદ્દલ અને વ્યાજવટાવના ભારણમાં એટલો દબાઈ જાય છે કે તેને ધીમેધીમે પોતાનાં ઢોર, પછી પોતાનું ઘર અને પછી પોતાની જમીન શાહુકારને વેચાણ લખી આપવી