પૃષ્ઠ:Gramonnati.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦ : ગ્રા મો ન્ન તિ
 


તેને ઉપયોગી થઈ પડે છે. શાહુકારને માથે અપવાદ છે કે તે ખેડૂતના અજ્ઞાનનો લાભ લે છે, ખોટા હિસાબો લખે છે, વ્યાજમાં ખેડૂતને કચરી નાખે છે, તેની મિલકત જલદી હાથમાં આવે એવી યુક્તિઓ રચે છે. આ બધું અમુક અંશે ખરું છે. પરંતુ અજ્ઞાનનો લાભ અમલદારો, વકીલો, ડોક્ટરો અને ઇજનેરાએ પણ ક્યાં નથી લીધો ? ખેડૂતો ખરેખર સમજતા થશે તે દિવસે શાહુકારોની સાથે તેઓ આ ભણેલા વર્ગને પણ ઉખાડી નાખવા કેમ ઇચ્છા નહિ રાખે ? શાહુકારે તો ગ્રામની આર્થિક સ્થિતિ પણ જાળવી રાખી છે, અને તેની દુષ્ટતાના અનેક અનેક પ્રસંગો નોંધાયા હોવા છતાં તેણે ધંધા અર્થે ગામડામાં વસવાટ કર્યો છે, અને ભણેલાઓ જેમની સાથે બોલતાં શરમાય છે તેવા ખેડૂતોને ઘેરઘેર જઈ તેને પૈસા આપ્યા છે, અને તેના વ્યવહાર સાચવ્યા છે; ઘણીવાર તો ખેડૂતની શાખ અને મિલકત બન્ને વટાઈ ગયા છતાં તેને જીવતો રાખવાની માણસાઈ ઘણાએ દાખલાઓમાં તેણે દર્શાવી છે. અજ્ઞાન ખેડૂતની સાથે અસહ્ય લમણાઝીક કરી પોતાનાં દેવાં લેણાં પતાવ્યાં છે. ગામડાના માલને બજારભેગો કરવાનું સાહસ પણ તેણે કર્યું છે. શાહુકારમાં દયાનો ભાસ નથી એમ આપણે ભલે કહીએ. તે નહિ હોય. દયાખાતર તે પોતાનો વ્યાપાર કરતો જ નથી. આપણે બધા દયાનું વ્રત લઈ બેઠા હોઈએ એમ જાણવામાં નથી. છતાં ગામડાંના ખેડૂતોને નાણાં ધીરવામાં રહેલું જોખમ શાહુકાર ઉપાડે છે, અને ખેતીવાડી જેવા અસ્થિર ધંધાનો આર્થિક પાયો પોતાના હાથમાં રાખવાનું સાહસ કરવા જેટલું જીગર તે ધરાવે છે, એટલું તો તને માટે કહેવું પડશે. શાહુકારોને દોષ દેતા પહેલાં, આપણે સમજવું જોઇએ કે હિંદુસ્થાનનું રાજ્ય હાથ કરી લેનારી વ્યાપારી ઈસ્ટ ઈડીયા કંપની દયા અને ખ્રિસ્તિ ઉદારતા – Christian charity ઉપર રચાયેલી ન હતી.