પૃષ્ઠ:Gramonnati.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨ : ગ્રા મો ન્ન તિ
 


ખેતીને પ્રત્યક્ષ ઉપયોગી ન નીવડતાં ખેતીને ઘાતક નીવડે એવી રીતે ધીરધારની પદ્ધતિ ચાલે છે.

(૬) ખેતી પૈસા રોકવાને પાત્ર ધંધો છે એવી ખાતરી ધંધાદારીઓની થઈ નથી.

(૭) મહેનત અને બુદ્ધિને બળે ટકી રહેતા ખેડૂત વર્ગનો નાનકડો ભાગ પણ શાહુકારી પદ્ધતિમાં લપસી જઈ ખેડૂત મટી જાય છે.

(૮) ખેતી અને ખેડૂત એ ગ્રામજીવનના – હિંદી જીવનના પાયા રૂપ તત્ત્વો છે એ વાત ભૂલાઈને જ બધા વ્યવહાર થાય છે.

એટલે હવે એવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે કે શાહુકારો પદ્ધતિને કાં તો તોડી નાખવી, તેને સુધારવા માટે તેનું નિયમન કરવું અથવા ગ્રામજીવનની વધારે સેવા કરી શકે એવી કોઈ આર્થિક યોજનાઓ ગ્રામજીવનમાં દાખલ કરવી. એ પ્રશ્નો મહત્ત્વના બની ગયા છે. સરકાર શાહુકારનાં બધાં કાર્યો બજાવે તો શાહુકારી પદ્ધતિની જરૂર ન રહે. પરંતુ રાષ્ટ્રિય મિલકત રાષ્ટ્ર કે રાજ્યને કબજે કરવા જેવી સામાજીક કે સામ્યતા પ્રેરક રચના ન થાય ત્યાં સુધી એ પ્રશ્ન માત્ર ભંજક દૃષ્ટિએ જ ઉપયોગી થઈ પડે. એટલે સમાજવાદ અને સામ્યવાદની દૃષ્ટિ સિવાયના એ પદ્ધતિના સુધારાનો વિચાર અત્રે કરીશું.