પૃષ્ઠ:Gramonnati.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાહુકારી પદ્ધતિ સુધારવાના પ્રયાસો : ૭૫
 


પ્રથા ઘટી ગઈ અને રૂપિયા પૈસાએ વસ્તુઓ તોળાવા લાગી. રૂપિયા હિંદી સરકારની મારફત બ્રિટિશ ચલણનો આશ્રિત બન્યો. પ્રજા પરાધીન એટલે પ્રજાની સંપત્તિ તથા મિલકત પણ પરાધીન જ હોય ને ? બ્રિટિશ ચલણ જગતનાં બીજા ચલણોની સાથે હરતું ફરતું હતું. ઘઉંની કિંમત ગામનો માણસ કરે એવી સ્થિતિ ટળી ગઇ. ઘઉંની કિંમત રૂપિયે અંકાવા લાગી, અને રૂપિયો એટલે બ્રિટનના પાઉન્ડ શિલિંન્ગ – પેન્સનો ગુલામ ! આપણો માલ ગામડું છોડી જગત વ્યવહાર જોડે જકડાયો.

વ્યાપારનું ધ્યેય નફો.

એ જગતનો વ્યાપાર પશ્ચિમના યંત્રવાદે મૂડીમય કરી દીધો. અર્થશાસ્ત્રમાંથી માનવતા ચાલી ગઇ. નફો એ જ સમસ્ત વ્યાપાર રોજગારનું ધ્યેય બની ગયો. માનવજાતની સગવડ ખાતર વ્યાપાર કરવાનો છે એ વાત વિસરાઈ ગઈ, અને નફા ખાતર વ્યાપાર કરનારના અંગત નફા માટે જ વ્યાપાર હોઈ શકે એવી માન્યતા અંધ અર્થશાસ્ત્રે સ્વીકારી લીધી. અઢળક ઉત્પાદન કરી બજારો ભરી દેવાં, ભાવ તાલની ગુંચવણમાંથી નફો અદ્ધર ઉપાડી જવો, એક વ્યક્તિએ અગર વ્યક્તિઓના સમૂહે નફાખાતર ભેગા થવું અને નફો મેળવવા કુનેહ ઉપરાંત રાજદ્વારી સત્તા કે લાગવગનો પૂરો ઉપયોગ કરવો એ શાસ્ત્રસંમત છે એમ મનાવા લાગ્યું. સોંઘે લેવું અને મોંઘે વેચવું એ માન્ય સિદ્ધાન્ત બની ગયો.

મજુરી કરી વસ્તુ ઉત્પન્ન કરનાર વેઠિયા બન્યા, વ્યાપાર એ બુદ્ધિમાનોનો ખેલ બન્યો, માલની આપલેમાં જુગાર રમાવા લાગ્યા, અને જેણે માલને નજરે પણ જોયો નથી એવા ત્રાહિત માણસો માલના માલિક બની ગયા. વ્યાપાર જુગાર બની બેઠો. ભાવતાલ સટ્ટો બની ગયાં, અને ઉત્પાદકો કે શાહુકારોને બદલે દલાલો અને